અટકાયત હુકમો રદ કરવા બાબત - કલમ:૧૫

અટકાયત હુકમો રદ કરવા બાબત

(૧) મુંબઇ સામાન્ય કલમ અધિનિયમ ૧૯૦૪ ની કલમ ૨૧ ની જોગવાઇઓને બાધ આવ્યા વિના અધિકૃત અધિકારીએ અટકાયત હુકમ કર્યો હોય તે છતા રાજય સરકાર કોઇપણ સમયે કારણોની લેખિત નોંધ કરીને તે હુકમ રદ કરી શકશે અથવા તેમા ફેરફાર કરી શકશે. (૨) અટકાય હુકમ ( જેનો હવે પછી આ પેટા કલમમાં અગાઉનો અટકાયત હુકમ તરીકે ઉલ્લેખ કર્યો છે તે ) ની મુદત પૂરી થવાથી અથવા રદ થવાથી કલમ ૩ હેઠળ તે જ વ્યકિત સામે અન્ય અટકાયત હુકમ (જેનો હવે પછી આ આ પેટા કલમમાં પછીનો અટકાયત હુકમ તરીકે ઉલ્લેખ કર્યો છે તે ) કરવામાં બાધ આવશે નહી. પરંતુ આવી વ્યકિત સામે કરેલા અગાઉના અટકાયત હુકમની મુદત પુરી થયા પછી અથવા તે રદ થયા પછી નવેસરથી કોઇ હકીકતો ઉપસ્થિત થઇ ન હોય ત્યારે તે બાબતમાં આવી વ્યકિતને વધુમાં વધુ જે મુદત સુધી પછીના અટકાયત હુકમ અનુસાર અટકાયતમાં રાખી શકાશે તે મુદત કોઇપણ સંજોગોમાં અગાઉના અટકાયત હુકમ હેઠળની અટકાયતની તારીખથી બાર મહિનાની મુદત પૂરી થયા પછીની કોઇ મુદત સુધી લંબાવી શકાશે નહિ.