
લાઇસન્સોમાં ફેરફાર કરવા તેને મોકુફ રાખવા અને તે રદ કરવા બાબત
(૧) લાઇસન્સ અધિકારી ઠરાવવામાં આવેલી શરતો સિવાયની જે શરતોએ લાઇસન્સ આપવામાં આવ્યું હોય તેમાં ફેરફાર કરી શકશે અને તે હતુ માટે લેખિત નોટીશ દ્વારા લાઇસન્સ ધરાવનારને નોટીશમાં નિર્દિષ્ટ કરવામાં આવે તે સમયમાં લાઇસન્સ પોતાને આપી દેવા ફરમાવી શકશે. (૨) લાઇસન્સ અધિકારી લાઇસન્સ ધરાવનારની અરજી ઉપરથી ઠરાવવામાં આવેલી શરતો સિવાયની લાઇસન્સની શરતોમાં ફેરફાર પણ કરી શકશે. (૩) (એ) લાઇસન્સ અધિકારીને એવી ખાતરી થાય કે લાઇસન્સ ધરાવનારને કોઇ શસ્ત્રો અથવા દારૂગોળો સંપાદિત કરવા અથવા પોતાના કબજામાં કે પોતાની સાથે રાખવાનો આ અધિનિયમથી અથવા તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇ કાયદાથી પ્રતિબંધ છે અથવા તે અસ્થિર મગજનો છે અથવા આ અધિનિયમ હેઠળના લાઇસન્સ માટે કોઇ કારણસર તે અયોગ્ય છે અથવા (બી) લાઇસન્સ અધિકારી જાહેર શાંતિ જાળવવા માટે અથવા લોકોની સલામતી માટે લાઇસન્સ મોકૂફ રાખવાનું અથવા તે રદ કરવાનું જરૂરી ગણે અથવા (સી) મહત્વની માહિતી દબાવીને અથવા લાઇસન્સ ધરાવનારે અથવા તેના વતી કોઇ બીજી વ્યકિતએ લાઇસન્સ માટે અરજી કરતી વખતે પૂરી પાડેલ ખોટી માહિતીના આધારે લાઇસન્સ મેળવ્યુ હોય અથવા (ઇ) લાઇસન્સ ધરાવનારને લાઇસન્સ આપી દેવા માટે ફરમાવતી પેટા કલમ (૧) મુજબની નોટિસનું તેણે પાલન કર્યું ન હોય તો લાઇસન્સ અધિકારી લેખિત હુકમ કરીને પોતાને યોગ્ય લાગે તેટલી મુદત સુધી લાઇસન્સ મોકૂફ રાખી શકશે અથવા તે રદ કરી શકશે. (૪) લાઇસન્સ અધિકારી લાઇસન્સ ધરાવનારની અરજી ઉપરથી પણ લાઇસન્સ રદકરી શકશે. (૫) લાઇસન્સ અધિકારી પેટા કલમ (૧) હેઠળ લાઇસન્સમાં ફેરફાર કરવાનો હુકમ કરે અથવા પેટા કલમ (૩) હેઠળ લાઇસન્સ મોકૂફ રાખવાનો અથવા તેને રદ કરવાનો હુકમ કરે ત્યારે તેણે તે માટેના કારણોની લેખિત નોંધ કરવી જોઇશે અને માગણી થતાં લાઇસન્સ ધરાવનારને તેનું એક ટૂંકુ નિવેદન પૂરૂ પાડવા જોઇશે સિવાય કે કોઇ દાખલામાં લાઇસન્સ અધિકારીનો એવો અભિપ્રાય થાય કે એવું નિવેદન પુરૂ પાડવાનું જાહેર હિતમાં નથી. (૬) લાઇસન્સ અધિકારી જેના તાબામાં હોય તે અધિકારી લાઇસન્સ અધિકારીથી જે કારણસર લાઇસન્સ મોકૂફ રાખી શકાય અથવા તેને રદ કરી શકાય તે કારણે લેખિત હુકમ કરીને લાઇસન્સ મોકૂફ રાખી શકશે અથવા તેને રદ કરી શકશે અને આ કલમની પૂવૅવતી જોગવાઇઓ શકય હોય ત્યાં સુધી આવા અધિકારી દ્રારા લાઇસન્સ મોકૂફ રાખવા અથવા તેને રદ કરવાના સબંધમાં લાગુ પડશે. (૭) આ અધિનિયમ હેઠળના અથવા તે હેઠળ કરેલા નિયમો હેઠળના કોઇ ગુના માટે લાઇસન્સ ધરાવનારનો દોષિત ઠરાવતું ન્યાયાલય પણ લાઇસન્સ મોકૂફ રાખી શકશે અથવા તેને રદ કરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે અપીલમાં કે બીજી રીતે દોષિત ઠરાવવાનો હુકમ રદ કરવામાં આવે તો લાઇસન્સ મોકૂફ રાખવાનો અથવા તેને રદ કરવાનો હુકમ રદ થશે.
Copyright©2023 - HelpLaw