અપીલો - કલમ:૧૮

અપીલો

(૧) લાઇસન્સ આપવાની ના પાડવાના અથવા લાઇસન્સની શરતોમાં ફેરફાર કરવાના લાઇસન્સ અધિકારીના હુકમથી અથવા લાઇસન્સ અધિકારીના અથવા લાઇસન્સ અધિકારી જેના તાબામાં હોય તે અધિકારીના લાઇસન્સ મોકૂફ રાખવાના અથવા તેને રદ કરવાના હુકમથી નારાજ થયેલી કોઇપણ વ્યકિત ઠરાવવામાં આવે તે અધિકારીને (જેનો આમાં હવે પછી અપીલ અધિકારી તરીકે ઉલ્લેખ કર્યું છે તેને) અને ઠરાવવામાં આવે તેટલી મુદતની અંદર તે હુકમ સામે અપીલ કરી શકશે. જોગવાઇ કરવામાં આવી છે કે સરકારે કરેલા અથવા તેના આદેશ હેઠળ કરેલા કોઇ હુકમ સામે અપીલ થઇ શકશે નહિ. (૨) કોઇપણ અપીલ તેના માટે ઠરાવેલી મુદત વીતી ગયા પછી કરવામાં આવે તો તે સ્વીકારવામાં આવશે નહિ. જોગવાઇ કરવામાં આવી છે કે અપીલ કરનાર અપીલ અધિકારીને એવી ખાતરી કરાવી આપે તેને મુદતની અંદર અપીલ ન કરવા પૂરતું કારણ હતું તો અપીલ માટે ઠરાવેલી મુદત વીતી ગયા પછી અપીલ સ્વીકારી શકાશે. (૩) અપીલ માટે ઠરાવેલી મુદતની ગણતરી ભારતીય મુદત અધિનિયમ ૧૯૦૮ હેઠળ મુદતોની ગણતરી કરવા અંગેની તે અધિનિયમની જોગવાઇઓ અનુસાર કરવામાં આવશે. (૪) આ કલમ હેઠળની દરેક અપીલ લેખિત અરજી કરીને કરવી જોઇશે અને જેની સામે અપીલ કરવામાં અવી હોય તે હુકમ માટેના કારણોનું ટુંકુ નિવેદન અપીલ કરનારને પુરૂં પાડવામાં આવ્યું હોય તો અપીલ સાથે તે નિવેદન અને ઠરાવવામાં આવે તે ફી હોવા જોઇશે. (૫) અપીલનો નિકાલ કરતી વખતે અપીલ અધિકારીએ ઠરાવવામાં આવે તે કાયૅરીતિ અનુસરવી જોઇશે. જોગવાઇ કરવામાં આવી છે કે અપીલ કરનારને સાંભળવાની વ્યાજબી તક આપવામાં આવી ન હોય તો અપીલનો નિકાલ કરી શકાશે નહિ. (૬) અપીલ અધિકારી શરતો સાથે કે શરતો વિના અન્યથા આદેશ ન કરે તો જેની સામે અપીલ કરવામાં આવી હોય તે હુકમ તેની સામે થયેલી અપીલનો નિકાલ થતાં સુધી અમલમાં રહેશે. (૭) જેની સામે અપીલ કરવામાં આવી હોય તે હુકમને બેહાલ રાખતો તેમાં ફેરફાર કરતો અથવા તે ફેરવી નાંખતો અપીલ અધિકારીનો દરેક હુકમ આખરી ગણાશે.