અશાંત વિસ્તારોમાં જાહેર કરેલા શસ્ત્રો કબ્જામાં રાખવા ઉપર પ્રતિબંધ વગેરે - કલમ:૨૪(એ)

અશાંત વિસ્તારોમાં જાહેર કરેલા શસ્ત્રો કબ્જામાં રાખવા ઉપર પ્રતિબંધ વગેરે

(૧) કેન્દ્ર સરકારને એવી ખાતરી થાય કે જાહેર શાંતિ અને સુલેહને વ્યાપક પ્રમાણમાં ખલેલ પહોંચે તેમ છે અથવા કોઇપણ વિસ્તારમાં આવી રીતે ખલેલ પહોંચાડવાનો તત્કાળ ભય છે અને આવા વિસ્તારમાં શસ્ત્રોનો ઉપયોગ કરીને થતાં ગુના અટકાવવા માટે તેમ કરવાનું જરૂરી અથવા ઇષ્ટ છે ત્યારે કેન્દ્ર સરકાર રાજપત્રમાં જાહેરનામાંથી (એ) આવા વિસ્તારની હદો નિર્દિષ્ટ કરી શકાશે. (બી) એવો આદેશ આપી શકશે કે જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલી મુદત (જે મુદત રાજપત્રમાં જાહેરનામાની પ્રસિધ્ધિની તારીખ પછી ચોથા દિવસ કરતા વહેલી ન હોય તેવી તારીખથી શરૂ થતી મુદત હોવી જોઇશે તે) ના આરંભ પહેલા જાહેરનામામાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવા પ્રકારનાં કોઇ શસ્ત્રો ( તેવી રીતે નિર્દિષ્ટ કરેલા શસ્ત્રો જેનો આ કલમમાં હવે પછી જાહેર કરેલા શસ્ત્રો તરીકે ઉલ્લેખ કર્યો છે તે) એવા વિસ્તારમાં પોતાના કબજામાં રાખતી હોય તેવી દરેક વ્યકિતએ કલમ ૨૧ની જોગવાઇઓ અનુસાર એવી મુદતના આરંભ પહેલા જમા કરાવવાં જોઇશે અને આ હેતુ માટે એવી વ્યકિત કોઇ જાહેર કરેલા શસ્ત્રો કબજામાં રાખે તો તે આ અધિનિયમની અથવા તે સમયે અમલમાં હોય તેવા અન્ય કોઇ કાયદાની બીજી કોઇ જોગવાઇમાં ગમે તે મજકૂર હોય તે છતાં રાજપત્રમાં એવા જાહેરનામાની પ્રસિધ્ધિની તારીખથી કાયદેસર હોવાનું બંધ થયુ છે એમ ગણાશે. (સી) જાહેર કરી શકશે કે જાહેરનામામાં નિદિષ્ટ કરેલી મુદતના આરંભથી અને તે મુદત પૂરી ન થાય ત્યાં સુધી એવા વિસ્તારમાં કોઇ જાહેર કરેલ શસ્ત્રો પોતાના કબજામાં રાખવાનું કોઇ વ્યકિત માટે કાયદેસર ગણાશે નહિ. (ડી) જાહેરનામાં નિર્દિષ્ટ કરવામાં આવે તેવા કેન્દ્ર સરકાર અથવા રાજય સરકારના તાબાના કોઇ અધિકારીને નીચેની બાબતો કરવાનો અધિકાર આપી શકશે. (૧) જો એવા અધિકારીને એમ માનવાને કારણ હોય કે એવા વિસ્તારમાંની અથવા તેમાંથી પસાર થતી કોઇ વ્યકિતએ કોઇપણ જાહેર કરેલા શસ્ત્રો છુપાવ્યા છે અથવા એવા વિસ્તારમાંની કોઇ જગામાં અથવા એવા વિસ્તારમાં અથવા ત્યાંથી પસાર થતા કોઇપણ પ્રાણી ઉપર અથવા વહાણમાં અથવા વાહનમાં અથવા ગમે તે પ્રકારના માલ વાહનમાં અથવા ગમે તે પ્રકારના કોઇપણ બારદાનમાં અથવા બીજા પાત્રમાં છુપાવ્યા છે તો તેવી વ્યકિતની અથવા તેવી જગાની અથવા તેવા પ્રાણીની અથવા તેવા વહાણ વાહન અથવા અન્ય માલ વાહનની અથવા તેવા બારદાન અથવા અન્ય પાત્રની જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલી મુદત દરમ્યાન કોઇપણ સમયે ઝડતી લેવાનો (૨) જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલી મુદત દરમ્યાન કોઇપણ સમયે એવા વિસ્તારમાં કોઇપણ વ્યકિતના કબ્જામાના અથવા પેટા ખંડ (૧) હેઠળ ઝડતી દ્રારા શોધી કાઢેલા કોઇપણ જાહેર કરેલા શસ્ત્રો કબજે લેવાનો અને જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલી મુદત દરમ્યાન શસ્ત્રો અટકાયતમાં રાખી શકશે. (૨) કોઇપણ વિસ્તારના સંબંધમાં પેટા કલમ (૧) હેઠળ બહાર પાડેલા જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલી મુદત પ્રથમ તબકકે નેવું દિવસ કરતાં વધવી જોઇશે નહિ પરંતુ કેન્દ્ર સરકારના અભિપ્રાય મુજબ તેવા વિસ્તારમાં પેટા કલમ (૧) માં જણાવ્યા પ્રમાણે જાહેર શાંતિ અને સુલેહના ખલેલ પહોંચાડવાનું અથવા તેનો તત્કાળ ભય હોવાનું ચાલુ રહે છે અને તે વિસ્તારમાં શસ્ત્રોની ઉપયોગ કરીને થતા ગુના અટકાવવા માટે તેમ કરવાનું જરૂરી અથવા ઇષ્ટ છે તો તે સરકાર એવી મુદત કોઇપણ સમયે એકી સાથે નેવ દિવસ કરતા વધારે ન હોય તેટલી મુદત સુધી વખતો વખત લંબાવવાને એવું જાહેરનામું સુધારી શકશે. (૩) ઝડતી અને જપ્તીને લગતી ફોજદારી કાયૅરીતિ અધિયમ ૧૯૭૩ની જોગવાઇઓ શકય હોય તેટલે સુધી પેટા કલમ (૧) હેઠળ કરેલી કોઇ ઝડતી અથવા જપ્તીને લાગુ પડશે. (૪) આ કલમના હેતુ સારૂ (એ) શસ્ત્રોમાં દારૂગોળાનો સમાવેશ થાય છે. (બી) પેટા કલમ (૧) હેઠળ મૂળથી જ બહાર પાડયા પ્રમાણેના જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલી મુદત પેટા કલમ (૨) હેઠળ લંબાવવામાં આવી હોય ત્યારે એવા જાહેરનામાના સબંધમાં જાહેરનામામાં નિર્દિષ્ટ કરેલી મુદત ના પેટા કલમ (૧)માંના ઉલ્લેખોનો અથૅ તેવી રીતે લંબાવેલી મુદતના ઉલ્લેખો તરીકે કરવો.