ઝડપની મયૉદા - કલમ:૧૧૨

ઝડપની મયૉદા

(૧) કોઇ જાહેર જગામાં અધિનિયમ કે તે હેઠળ અથવા તે સમયે અમલમાં હોય તેવા કોઇ કાયદાથી કે તે હેઠળ વાહન માટે ઠરાવેલ વધુમા વધુ ઝડપ કરતાં વધુ ઝડપે અથવા ઓછામાં ઓછી ઝડપ કરતાં ઓછી ઝડપે કોઇ વ્યકિત મોટર વાહન ચલાવી કે ચલાવડાવી કે ચલાવવા લઇ શકશે નહિ.પરંતુ આવી વધુમાં વધુ ઝડપ કોઇપણ મોટર વાહન માટે અથવા વગૅ કે વણૅનના મોટર વાહન માટે કેન્દ્ર સરકાર ગેઝેટમાં જાહેરનામા દ્રારા ઠરાવેલી વધુમાં વધુ ઝડપ કરતા કોઇપણ સંજોગોમાં વધુ હોવી જોઇશે નહિ.

(૨) રાજય સરકારને અથવા રાજય સરકારે આ અથૅ અધિકાર આપેલા કોઇ અધિકારીને ખાતરી થાય કે જાહેર સલામતી કે સગવડ ખાતર અથવા કોઇ રસ્તા કે પુલની સ્થિતિને લીધે મોટર વાહનોની ઝડપ પર નિયંત્રણ મૂકવાની જરૂર છે તો તે રાજપત્રમાં જાહેરનામાંથી અને અનુકૂળ જગાઓએ કલમ ૧૧૬ હેઠળ યોગ્ય ટ્રાફિક નિશાની મૂકાવીને કે ઊભી કરાવીને તમામ અથવા કોઇ ખાસ વિસ્તાર અથવા ખાસ રસ્તા કે રસ્તાઓ ઉપર મોટર વાહનો અથવા કોઇ નિર્દિષ્ટ વર્ગના મોટર વાહનો કે ટ્રેઇલરવાળા મોટર વાહનો માટે પોતાને યોગ્ય લાગે તેવી વધુમાં વધુ ઝડપની અથવા ઓછામાં ઓછી ઝડપની મોદી હરાવી શકશે.પરંતુ આ કલમ હેઠળ કોઇ નિયંત્રણ એક મહિના કરતાં વધુ સમય માટે અમલમાં રહેવાનું ન હોય તો આવા કોઇ જાહેરનામાની જરૂર રહેશે નહિ.

(૩) કલમ ૬૦ મુજબ નોંધાયેલા કોઇ વાહનનો લશ્કરી દાવપેચ મૈદાની નિશાનબાજી અને તોપબાજી પ્રેકટિસ અધિનિયમ ૧૯૩૮ ની કલમ ૨ ની પેટાકલમ (૧) હેઠળ જાહેરનામામાં નિદિષ્ટ કરેલા વિસ્તારની અંદર અને મુદત દરમ્યાન લશ્કરી દાવપેચના કામકાજમાં ઉપયોગ કરવામાં આવતો હોય ત્યારે તેને આ કલમમાંનો કોઇ મજકૂર લાગુ પડશે નહિ.