વચગાળાની જોગવાઇઓ - કલમ:૩૬(ડી)

વચગાળાની જોગવાઇઓ

(૧) કેફી ઔષધ અને મનઃપ્રભાવી દ્રવ્ય (સુધારા) અધિનિયમ ૧૯૮૮ ના આરંભે અથવા તે પછી આ અધિનિયમ હેઠળ કરેલ કોઇ પણ ગુનો જે ખાસ કોટૅ દ્રારા ચલાવી શકાય તેવો હોય તે જયાં સુધી કલમ-૩૬ હેઠળ ખાસ કોટૅ રચવામાં ન આવે ત્યાં સુધી ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩માં ગમે તે મજકુર હોય તે છતા સેશન્સ કોટૅ દ્રારા ચલાવવામાં આવશે. (૨) કેફી ઔષધ અને મનઃ પ્રભાવી દ્રવ્ય (સુધારા) અધિનિયમ ૧૯૮૮ ના આરંભે અથવા તે પછી આ અધિનિયમ હેઠળ કરેલ કોઇપણ ગુનાના સબંધમાં કોઇપણ કાયૅવાહી સેશન્સ કોટૅ સમક્ષ નિકાલ બાકી હોય તો પેટા કલમ (૧)માં ગમે તે મજકુર હોય તે છતાં આવી કાયૅવાહીનો સેશન્સ કોટૅ સાંભળીને નિકાલ કરશે. જોગવાઇ કરવામાં આવી છે કે આ પેટા કલમમાંનો કોઇપણ મજકુર ફોજદારી કાયૅરીતિ અધિનિયમ ૧૯૭૩ની કલમ ૪૦૭ હેઠળની હાઇકોટૅની પેટા કલમ (૧) હેઠળ સેશન્સ કોટૅ કોગ્નીઝન્સ લીધું હોય તેવા કોઇપણ કેસ અથવા કેસોના વગૅ તબદીલ કરવાની સતાને બાધ આવશે નહી.