
આરોપી પાસેથી મળેલી માહિતીનો કેટલો ભાગ સાબિત કરી શકાશે
પરંતુ પોલીસ અધિકારીની કસ્ટડીમાં હોવા તેવા કોઇ ગુનાના આરોપી પાસેથી મળેલી માહિતી ઉપરથી મળી આવેલી કોઇ હકીકત જુબાનીમાં રજૂ કરવામાં આવે ત્યારે ઉપર પ્રમાણે મળી આવેલી હકીકત સાથે સ્પષ્ટ સંબંધ ધરાવતી હોય તેટલા પૂરતી તે માહિતી કબૂલાત હોય કે ન હોય તો પણ તે સાબિત કરી શકાશે. ઉદ્દેશ્યઃ કલમ ૨૫ માં પોલીસ ઓફિસર સમક્ષની કબૂલાત અપ્રસ્તુત છે કલમ ૨૬માં વ્યકિતએ પોલીસ કસ્ટડીમાં મેજીસ્ટ્રેટની સમક્ષ સિવાયની કબૂલાત અપ્રસ્તુત છે. કલમ ૨૭ આ બંને કલમોનો અપવાદ બને છે આ કલમ મુજબ વ્યકિત કે જેના ઉપર ગુનાનો આરોપ છે અને જે પોલીસ કસ્ટડીમાં છે તે પોલીસ સમક્ષ જે કંઇ માહિતી આપે અને આ માહિતીના આધારે પોલીસ કોઇ હકીકત જે માહિતીના સાથે સબંધ ધરાવતી હોય તે શોધી કાઢે તો તેટલી જ શોધેલી હકીકત કોર્ટમાં સોગંદ ઉપર જુબાની આપી સાબિત કરી શકાય આમ આ કલમમાં વ્યકિતએ તેની કસ્ટડી દરમ્યાનમાં કરેલુ કથન પછી તેને કબૂલાત તરીકે ગણવામાં આવે કે ન આવે તેનો સંબંધ ધરાવતો શોધેલો ભાગ જુબાની ઉપર સાબિત કરવાનુ આ કલમમાં પ્રાવધાન છે આ પ્રાવધાન એટલા માટે કરવામાં આવ્યુ છે કે કસ્ટડીમાંના ગુનેગાર વ્યકિત પાસેથી મળેલી માહિતીના આધારે સચ્ચાઇ જાણવાની ખાતરી મળે છે. ટિપ્પણીઃ- આ કલમમાં નીચે પ્રમાણેની જોગવાઇઓ છે. (૧) વ્યકિત ઉપર ગુનાનો આરોપ હોવો જોઇએ. (૨) આ વ્યકિત પોલીસ કસ્ટડીમાં હોવી જોઇએ (૩) આ વ્યકિતએ કસ્ટડી દરમ્યાન માહિતીના સ્વરૂપમાં કોઇ કથન કર્યું હોય (૪) આવુ કથન કબૂલાત સ્વરૂપનુ હોય કે ન હોય (૫) આ કથનના આધારે સાચી હકીકત શોધી શકાઇ હોય (૬) કથનના જેટલા ભાગના આધારે આ સાચી હકીકત શોધાઇ શકી હોય તેટલા જ ભાગની કોટૅમાં સોગંદ ઉપરની જુબાનીથી સાબિત કરી શકાશે. જયારે પોલીસ કસ્ટડી દરમયાન આરોપી કોઇ નિવેદન કરે છે અને એના કારણે પોલિસ ગુના બાબતેના તથ્યો શોધી શકતી હોય તો આરોપીએ જે નિવેદનના ભાગની માહિતીથી સત્ય શોધી શકાયું હોય તે ભાગ કોર્ટમાં પુરવાર કરી શકાય છે એટલે આ કલમ પોલીસને અપાયેલી માહિતીના કારણે સભ્ય હકીકત મળી આવવાના પરીણામ રૂપે છે આમ માહિતી કારણ બને છે અને સભ્ય શોધન પરિણામ બને છે સામાન્ય રીતે પોલીસ આગળ કરેલુ કથન કે કબૂલાત તેમજ પોલીસ કસ્ટડીમાં મેજીસ્ટ્રેટ સમક્ષ સિવાયની કબૂલાત માનવામાં આવતી નથી. અને પુરાવામાં પણ લેવામાં આવતી નથી. પરંતુ અહીં તો આરોપીનુ પોલીસ સમક્ષનું કથન સત્યશોધનનું કારણ બને છે અને તેનુ સ્પષ્ટ પરિણામ નજર સામે હોય છે એટલે કોર્ટમાં આવું સત્યશોધન સાબિત કરવા બાબતેની આ કલમમાં જોગવાઇ છે એ ખરૂં કે કથનનો જેટલો ભાગ સત્યશોધન માટે ઉપયોગી હોય તેટલો જ ભાગ કોટૅમાં સાબિત થઇ શકે બાકીનો સાબિત થઇ શકે નહી.
Copyright©2023 - HelpLaw