વ્યવસાય અંગે જણાવેલી બાબતો - કલમ:૧૨૬

વ્યવસાય અંગે જણાવેલી બાબતો

તેના અસીલની સ્પષ્ટ સંમતિ વિના કોઇ બેરિસ્ટર એટની પ્લીડર કે વકીલને તેના અસીલે અથવા તેના વતી કોઇએ તેના બેરિસ્ટર એટની પ્લીડર કે વકીલ તરીકે ની સેવા દરમ્યાન અને તે હેતુ માટે જણાવેલી બાબત પ્રગટ કરવાની અથવા તેવા વ્યવસાયી સેવા દરમ્યાન અને તે હેતુ માટે તેની જાણમાં આવેલા કોઇ દસ્તાવેજનો મજકુર કે સ્થિતિ જણાવવાની અથવા એવી સેવા દરમ્યાન અને તે હેતુ માટે તેણે પોતાના અસીલને આપેલી કોઇ સલાહ પ્રગટ કરવાની પરવાનગી કોઇ સમયે આપી શકાશે નહિ, પરંતુ (૧) કોઇ ગેરકાયદેસર હેતુ બર લાવવા માટે જણાવેલી કોઇ બાબતને (૨) કોઇ બેરિસ્ટર પ્લીડર એટની કે વકીલ તરીકે તેને રોકવામાં આવેલ હોય તે દરમ્યાન તેના લક્ષમાં આવેલી અને તેની સેવાની શરૂઆત પછી કોઇ ગુનો કે કપટ થયુ છે એવુ દર્શાવતી હકીકતો પ્રગટ કરવા સામે આ કલમના કોઇ મજકુરથી રક્ષણ મળશે નહિ. એવા બેરિસ્ટર એટની પ્લીડર કે વકીલનું લક્ષ એવી હકીકત ઉપર તેના અસીલ કે તેના વતી કોઇ તરફથી દોરવામાં આવ્યું હતુ કે નહિ એ મહત્વનું નથી. સ્પષ્ટીકરણ:- આ કલમમાં જણાવેલી જવાબદારી સેવા પુરી થયા પછી પણ ચાલુ રહે છે. ઉદ્દેશ્યઃ- આ કલમ કાનૂની સલાહકાર અને તેમના અસીલ વચ્ચેની કોઇ વાતચીત કે દસ્તાવેજની આપલે કરવામાં આવી હોય તો આવી આપલે બાબતની અને કાનુની સલાહકારે અસીલના કેસ અંગે જે કંઇ સલાહ આપી હોય તે ગોપનીય રહે અને ત્રાહિત માણસોના કાને ન જાય એ વિશ્ર્વાસ ઉપર આધારિત છે. આ કલમ મુજબ અસીલે તેના કેસની બધી જ વિગત અને સંબંધિત બાબતો તેમના કાનૂની સલાહકારને કહેવાની થાય છે જેથી કાનુની સલાહકાર પાસેથી યોગ્ય સલાહ મેળવી શકાય. ઘટકો:- આ કલમ મુજબ બેરીસ્ટર એટોની પ્લીડર કે વકીલે તેમના અસીલ દ્રારા રોકાણ કરેલ હોય ત્યારે (૧) (એ) તેમના અસીલ કે અસીલ દ્રારા તેમની સાથે થયેલી વાતચીત કે દસ્તાવેજની આપલે અને (બી) તેમણે કોઇ સલાહ તેના અસીલને આપી હોય તે (૨) કોઇ દસ્તાવેજની વિગતો કે તેની સ્થિતિ કે જેનાથી તે તેમના અસીલ દ્રારા રોકાણના કારણે પરિચિત થયા હોય તેને પ્રગટ કરી શકશે નહિ. આ વિશેષાધિકાર આ તકરારી બાબતના કેસ તૈયાર કરવા માટે જે દસ્તાવેજો બનાવાયા હોય તેમને પણ લાગુ પડે છે. પરંતુ આ કલમ પ્રગટ કરવામાંથી કયારે રક્ષણ આપતું નથી જયારે (૧) કોઇ આપલે કોઇ ગેરકાયદેસર બાબત માટે કરવામાં આવી હોય (૨) કાનુની સલાહકારને રોકયા પછી કોઇ ગૂનો કે કપટ કરેલું ધ્યાનમાં આવે કલમ ૧૨૭ હેઠળ આ પ્રાવધાનો ઇન્ટરપ્રીટર અને કલાકે કે બેરીસ્ટર એટોની પ્લીડર કે વકીલના નોકરને પણ લાગુ પડે છે. આ કલમ કાનુની સલાહકારને તે જો સાક્ષી તરીકે હોય તો તેના અસીલ સાથેની વાતચીત અને દસ્તાવેજો સંબંધેની બાબત કહેવા સામે વીશેષાધિકાર લાગુ છે અને જયાં સુધી અસીલની સ્પષ્ટ પરવાનગી ન હોય ત્યાં સુધી આ બાબતે તે કોઇ પુરાવો આપી શકતો નથી.