બગાડ - કલમ : 324

બગાડ

(૧) જે કોઇ વ્યકિત લોકોને અથવા કોઇ વ્યકિતને ગેરકાયદે નુકશાન અથવા હાનિ કરવાના ઇરાદાથી અથવા પોતે તેમ કરશે એવો સંભવ હોવાનું જાણવા છતા કોઇ મિલકતનો નાશ કરે અથવા કોઇ મિલકતમાં કે તેની સ્થિતિમાં એવો કોઇ ફેરફાર કરે કે જેથી તેની કિંમત અથવા ઉપયોગિતામાં ઘટાડો થાય કે તે નાશ પામે અથવા તેને તેનાથી નુકશાન થાય તે વ્યકિત બગાડ કરે છે.

સ્પષ્ટીકરણ ૧.- બગાડના ગુના માટે એ આવશ્યક નથી કે જે મિલકતને નુકશાન થયું હોય અથવા જે મિલકતનો નાશ થયો હોય તેના માલિકને નુકશાન કે હાનિ કરવાનો ગુનેગારનો ઇરાદો હોય કોઇ પણ મિલકતને હાનિ પહોંચાડીને કોઇ વ્યકિતને ગેરકાયદે નુકશાન અથવા હાનિ કરવાનો તે વ્યકિતનો ઇરાદો હોય અથવા પોતે તેમ કરશે એવો સંભવ હોવાનું તે જાણતી હોય તો તે પૂરતું છે પછી ભલે તે મિલકત તે વ્યકિતની હોય કે ન હોય

સ્પષ્ટીકરણ ૨.- બગાડ કરનાર વ્યકિતની માલિકીની અથવા તેની અને બીજાઓની સંયુકત માલિકીની મિલકતને અસર પહોંચાડે તેવું કૃત્ય કરીને બગાડ કરી શકાય.

(૨) જે કોઇ વ્યકિત બગાડ કરે તેને છ મહિનાની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૩) જે કોઇ વ્યકિત સરકાર અથવા સ્થાનિક સતામંડળની મિલકત સહિતની કોઇપણ મિલકતને બગાડ કરીને નુકશાન અથવા હાનિ કરે તેને એક વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૪) જે કોઇ વ્યકિત વીસ હજાર રૂપિયા અને વધુ પણ એક લાખ રૂપિયાથી ઓછી રકમનો બગાડ કરીને નુકશાન અથવા હાનિ કરે તેને બે વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૫) જે કોઇ વ્યકિત એક લાખ રૂપિયા અને તેથી વધુ રકમનો બગાડ કરીને નુકશાન અથવા હાનિ કરે તેને પાંચ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.

(૬) જે કોઇ વ્યકિત કોઇ બીજી વ્યકિતનું મૃત્યુ નિપજાવવાની અથવા તેને વ્યથા કરવાની અથવા તેને ગેરકાયદે અવરોધ કરવાનો અથવા તેને મૃત્યુનો વ્યથાનો અથવા ગેરકાયદે અવરોધનો ભય ઊભો કરવાની તૈયારી કરીને બગાડ કરે તેને પાંચ વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર થશે.

ગુનાઓનુ વગીકરણ

કલમ-૩૨૪(૨)-

- ૬ મહિના સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ

કલમ-૩૨૪(૩)-

- ૧ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

- જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ

કલમ-૩૨૪(૪)-

૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકાર બહારનો

-જામીની

- કોઇપણ મેજિસ્ટ્રેટ

કલમ-૩૨૪(૫)-

- ૫ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ

- જામીની

કલમ-૩૨૪(૬)-

- ૫ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને

- પોલીસ અધિકારનો

- જામીની

- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ