ગુનાહિત ધમકી
(૧) જે કોઇ વ્યકિત કોઇપણ રીતે બીજી કોઇ વ્યકિતને તેના શરીર આબરૂ કે મિલકતનો અથવા જે વ્યકિતમાં તે બીજી વ્યકિત હિત ધરાવતી હોય તેના શરીર અથવા આબરૂને હાનિ પહોંચાડવાની એવા ઇરાદાથી ધમકી આપે કે જેથી તે વ્યકિત ભયભીત થાય અથવા એવી ધમકીનો અમલ થતો અટકાવવા માટે પોતે જે કરવા કાયદેસર બંધાયેલી ન હોય તે કામ કરે અથવા જે કરવાનો પોતાને કાયદેસર હક હોય તે કામ ન કરે તેણે તે વ્યકિતને ગુનાહિત ધમકી આપી ગણાય.
સ્પષ્ટીકરણ.- કોઇ મર્હુમ વ્યકિતમાં હિત ધરાવતી હોય તેવી વ્યકિતને તે મહુમ વ્યકિતની આબરૂને હાનિ પહોંચાડવાની ઘમકી આપવી તે આ કલમમાં આવી જાય છે.
(૨) જે કોઇ વ્યકિત ગુનાહિત ધમકી આપે તેને બે વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
(૩) જે કોઇ વ્યકિત ગુનાહિત ધમકી આપે અને તેવી ધમકી મૃત્યુ નિપજાવવાની અથવા મહાવ્યથા કરવાની અથવા આગથી કોઇ મિલકતનો નાશ કરવાની અથવા મોતની અથવા આજીવન કેદની અથવા સાત વષૅની મુદત સુધીની કેદની શિક્ષાને પાત્ર ગુનો કરવાની અથવા કોઇ સ્ત્રી ઉપર ચારિત્ર્યહિનતાનું આળ મુકવાની હોય તેને સાત વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની અથવા દંડની અથવા તે બંને શિક્ષા કરવામાં આવશે.
(૪) જે કોઇ વ્યકિત નનામા પત્રથી અથવા ધમકી આપનારનું નામઠામ છપાવીને સાવચેતી રાખીને ગુનાહિત ધમકી આપે તેને પેટા કલમ (૧) હેઠળના ગુના માટે ઠરાવેલી શિક્ષા ઉપરાંત બે વષૅની મુદત સુધીની બેમાંથી કોઇ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે.
ગુનાઓનુ વર્ગીકરણ
કલમ-૩૫૧(૨) -
- ૨ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
-જામીની
- કોઇપણ મેજિસ્ટ્રેટ
કલમ-૩૫૧(૩)-
- ૭ વષૅ સુધીની કેદ અથવા દંડ અથવા તે બંને
- પોલીસ અધિકાર બહારનો
-જામીની
- પહેલા વર્ગના મેજિસ્ટ્રેટ
કલમ-૩૫૧(૪)-
- કલમ-૩૫૧(૧) ની શિક્ષા ઉપરાંત ૨ વષૅ સુધીની કેદ
-જામીની
- પોલીસ અધિકાર બહારનો
- પહેલા વગૅના મેજિસ્ટ્રેટ
Copyright©2023 - HelpLaw