નામઠામ જણાવવાની ના પાડનારને પકડવાની સતા - કલમ : 39

નામઠામ જણાવવાની ના પાડનારને પકડવાની સતા

(૧) કોઇ પોલીસ અધિકારીની હાજરીમાં જેણે પોલીસ અધિકાર બહારનો કોઇ ગુનો કર્યો હોય અથવા જેના ઉપર એવો ગુનો કરવાનો આરોપ મુકવામાં આવ્યો હોય તે વ્યકિત એવા અધિકારીની માંગણી ઉપરથી પોતાનું નામઠામ જણાવવાની ના પાડે અથવા એવું નામઠામ આપે કે જે ખોટું હોવાનું માનવાને તે અધિકારીને કારણ હોય ત્યારે તે વ્યકિતના નામઠામની ચોકકસ માહિતી મેળવવા માટે તે અધિકારી તેને પકડી શકશે.

(૨) તે વ્યકિતના ખરા નામઠામની ચોકકસ માહિતી મળે એટલે તેને મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા માટે ફરમાવવામાં આવે તો હાજર રહેવા માટેનો મુચરકો કે જામીનખત કરી આપે તો તેને છોડી મુકવામાં આવશે. પરંતુ જો એ વ્યકિત ભારતવાસી ન હોય તો જામીનખતના પાલન માટે ભારતના રહીશ હોય એવા જામીન કે જામીનો આપવાના રહેશે.

(૩) તે વ્યકિતને પકડયા પછીના ચોવીસ કલાકમાં તેના ખરા નામઠામની ચોકકસ માહિતી ન મળે અથવા મુચરકો કે જામીનખત ન આપે અથવા તેને જામીન આપવાનું ફરમાવવામાં આવે અને પૂરતા જામીન ન આપે તો તેને હકૂમત ધરાવતા નજીકમાં નજીક મેજિસ્ટ્રેટ સમક્ષ તરત મોકલવાનું આવશ્યક બનશે.