
ફરારીની મિલકતની જપ્તિ
(૧) કલમ-૮૪ હેઠળ જાહેરનામું કાઢનાર ન્યાયાલય કારણોની લેખિત નોંધ કરીને જાહેરનામું કાઢયા પછી કોઇપણ સમયે ઘાોષિત વ્યકિતની માલિકીની જંગમ કે સ્થાવર અથવા બંને પ્રકારની મિલકત જપ્તીમાં લેવાનો હુકમ કરી શકશે. પરંતુ જાહેરનામું કાઢતી વખતે ન્યાયાલયને સોગંદનામાથી કે બીજી રીતે ખાતરી થાય કે જેના સબંધમાં જાહેરનામું કાઢવાનું છે તે વ્યકિત નીચે પ્રમાણે કરવાની તૈયારીમાં છે ત્યારે તે જાહેરનામું કાઢવાની સાથોસાથ મિલકતની જપ્તીનો હુકમ કરી શકશે.
(એ) પોતાની તમામ મિલકત કે તેના કોઇ ભાગનો નિકાલ કરવાની અથવા
(બી) ન્યાયાલયની સ્થાનિક હકૂમતમાંથી પોતાની તમામ મિલકત કે તેનો કોઇ ભાગ ખસેડવાની
(૨) જે જિલ્લામાં તે હુકમ કરવામાં આવ્યો હોય તેની અંદરની તે વ્યકિતની મિલકત જપ્તીમાં લેવાનો તે હુકમથી અધિકાર મળશે અને તે જિલ્લા બહાર આવેલી તે વ્યકિતની કોઇપણ મિલકત જે જિલ્લામાં તે મિલકત આવેલી હોય તેના જિલ્લા મેજિસ્ટ્રેટ તે હુકમ ઉપર શેરો કરે ત્યારે મિલકત જપ્તીમાં લેવાનો તે હુકમથી અધિકાર મળશે.
(૩) જે મિલકત જપ્તીમાં લેવાનો હુકમ થયો હોય તે કોઈ લેણું કે બીજી જંગમ મિલકત હોય તો આ કલમ હેઠળની જપ્તી નીચે મુજબ કરવામાં આવશે.
(એ) કબ્જો લઇને અથવા
(બી) રિસિવર નીમીને અથવા
(સી) ઘોષિત વ્યકિતને કે તેના વતી કોઇ વ્યકિતને તે મિલકત આપવાની મના ફરમાવતો લેખિત હુકમ કરીને અથવા
(ડી) ન્યાયાલયને યોગ્ય લાગે તે ઉપયુકત તમામ કે કોઇપણ બે રીતે
(૪) જે મિલકત જપ્તીમાં લેવા હુકમ થયો હોય તે સ્થાવર મિલકત હોય ત્યારે આ કલમ હેઠળની જપ્તી જો તે રાજય સરકારને મહેસુલ ભરતી જમીન હોય તો તે જમીન જે જિલ્લામાં આવેલી હોય તેના કલેકટર મારફત કરવામાં આવશે અને તે સિવાયના તમામ કિસ્સાઓમાં નીચે મુજબ કરવામાં આવશે.
(એ) કબ્જો લઇને અથવા
(બી) રિસિવર નીમીને અથવા
(સી) ઘોષિત વ્યકિતને કે તેના વતી કોઇને તે જમીનનું ભાડું આપવાની અથવા મિલકત સોંપવાની મના ફરમાવતો લેખિત હુકમ કરીને અથવા
(ડી) ન્યાયાલયને યોગ્ય લાગે તે ઉપયુકત તમામ કે કોઇપણ બે રીતે
(૫) જે મિલકત જપ્તીમાં લેવા હુકમ થયો હોય તે મિલકત પશુધન હોય અથવા બગડી જાય તે પ્રકારની હોય અને ન્યાયાલયને તેમ કરવું ઇષ્ટ જણાય તો તે તેને તરત વેચી નાખવાનો હુકમ કરી શકશે અને તેમ કરવામાં આવે તો તેને વેચતા ઉપજેલી રકમની વ્યવસ્થા ન્યાયાલયના હુકમ મુજબ કરવાની રહેશે.
(૬) દીવાની કાયૅરીતિ અધિનિયમ ૧૯૦૮ (૧૯૦૮નો ૫મો) રિસિવરને જે સતા ફરજો અને જવાબદારીઓ હોય છે તે જ સતા ફરજો અને જવાબદારીઓ આ કલમ પ્રમાણે નિમાયેલા રિસિવરને રહેશે.
Copyright©2023 - HelpLaw