જપ્ત થયેલ મિલકત મુકત કરવા વેચવા અને પાછી આપવા બાબત - કલમ : 88

જપ્ત થયેલ મિલકત મુકત કરવા વેચવા અને પાછી આપવા બાબત

(૧) ઘોષિત વ્યકિત જાહેરનામામાં નિદૅષ્ટ કરેલા સમયની અંદર હાજર થાય તો ન્યાયાલયે તે મિલકતને જપ્તીમાંથી મુકત કરવાનો હુકમ કરવો જોઇશે.

(૨) ઘોષિત વ્યકિત જાહેરનામામાં નિદિષ્ટ કરેલા સમયની અંદર હાજર ન થાય તો જપ્તી હેઠળની મિલકતનો રાજય સરકાર પોતે ઇચ્છે તે રીતે નિકાલ કરી શકશે પરંતુ જપ્તીની તારીખથી છ મહિના પૂરા ન થાય ત્યાં સુધી અને કલમ-૮૭ હેઠળ કરવામાં આવેલા કોઇ દાવાનો કે ઉઠાવવામાં આવેલા કોઇ વાંધાને તે કલમ હેઠળ નિકાલ ન થાય ત્યાં સુધી તે મિલકત વેચી શકાશે નહી તેમ છતા જો તે મિલકત કુદરતી રીતે અને જલ્દી બગડી જાય તેવી હોય અથવા ન્યાયાલયને એમ લાગે કે તેને વેચી નાખવી એ માલિકના હિતમાં થશે તો આ બેમાંથી કોઈ પ્રસંગે ન્યાયાલયને જયારે પણ યોગ્ય લાગે ત્યારે તે મિલકત વેચાવી શકશે.

(૩) પેટા કલમ (૨) હેઠળ જેની મિલકત રાજય સરકારને હસ્તક હોય કે રહી હોય તે વ્યકિત જેના હુકમથી તે મિલકત જપ્તીમાં લેવાઇ હોય તે ન્યાયાલય સમક્ષ અથવા તે ન્યાયાલયના ઉપલા ન્યાયાલય સમક્ષ જપ્તીની તારીખથી બે વષૅની અંદર પોતાની મેળે હાજર થાય અથવા તેને પકડી લાવવામાં આવે અને તે ન્યાયાલયને ખાતરી થાય તે રીતે તે સાબિત કરે કે પોતે વોરંટની બજવણી થતી ટાળવાના હેતુથી ફરાર થયેલ કે સતાતી ફરતી ન હતી અને જાહેરનામામાં નિદિષ્ટ કરેલા સમયની અંદર પોતે હાજર થઇ શકે એવી તે જાહેરનામાની તેને જાણ થયેલ ન હતી તો તે મિલકત અથવા જો તે વેચી નાખી હોય તો વેચાણની ચોખ્ખી ઉપજ અથવા ફકત તેનો કોઇ ભાગ વેચ્યો હોય તો તે ભાગના વેચાણની ચોખ્ખી ઉપજ અને મિલકતનો બાકી રહેલો ભાગ તેમાંથી જપ્તીના પરિણામે થયેલું તમામ ખર્ચ વસૂલ કરીને તે વ્યકિતને સોંપી દેવી જોઇશે.