મિલકતની ટાંચ જપ્તી અથવા પરત સોંપણી - કલમ : 107

મિલકતની ટાંચ જપ્તી અથવા પરત સોંપણી

(૧) જયાં તપાસ કરી રહેલા પોલીસ અધિકારી પાસે એવું માનવા માટે કારણ હોય કે કોઇપણ મિલકત પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે ગુનાહિત પ્રવૃતિના પરિણામે અથવા કોઇપણ ગુનો આચરીને તેમાંથી સંપ્રાપ્ત કરવામાં અથવા મેળવવામાં આવી છે તો તેઓ પોલીસ અધિક્ષક અથવા પોલીસ કમિશ્નરની મંજૂરીથી ગુનાનું સંજ્ઞાન લેવાનું અથવા ખટલો ચલાવવા માટે સોંપવાનું અથવા કેસ ચલાવવાનું અધિકાર ક્ષેત્ર ધરાવતા ન્યાયાલયને અથવા મેજિસ્ટ્રરેટને આવી મિલકતની જપ્તી માટે અરજી કરી શકશે.

(૨) જો ન્યાયાલય અથવા મેજિસ્ટ્રેટ પાસે પુરાવા લીધા પહેલા કે પછી એવું માનવાના કારણો હોય કે આવી બધી મિલકત અથવા આમાંની કોઇપણ મિલકત ગુનાની આવક છે તો ન્યાયાલય અથવા મેજિસ્ટ્રેટ શા માટે (આવી મિલકતની) ટાંચનો હુકમ કરવામાં ન આવે તેનું ચૌદ દિવસમાં કારણ દર્શાવવા (આવી વ્યકિતને) કારણદર્શક નોટીશ આવી વ્યકિતને ઇશ્યુ કરી શકે છે.

(૩) જયાં પેટા કલમ (૨) હેઠળ કોઇપણ વ્યકિતને ઇશ્યુ કરવામાં આવેલી નોટીશમાં આવી વ્યકિત વતી અન્ય વ્યકિત દ્રારા ધારણ કરવામાં આવેલ કોઇ મિલકતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય ત્યાં નોટીશની નકલની બજવણી આવી અન્ય વ્યકિતને પણ કરવામાં આવશે.

(૪) ન્યાયાલય અથવા મેજિસ્ટ્રેટ પેટા કલમ (૨) હેઠળ ઇશ્યુ કરવામાં આવેલ કારણદર્શક નોટીસનો જો કોઇ ખુલાસો હોય તો તેને અને આવી ન્યાયાલય અથવા મેજિસ્ટ્રેટ સમક્ષ ઉપલબ્ધ સામગ્રીની હકીકતને ધ્યાનમાં લઇને અને આવી વ્યકિત અથવા વ્યકિતઓને સાંભળવાની વાજબી તક આપ્યા પછી ગુનાની આવક માલુમ પડેલ સંપતિઓ સબંધમાં ટાંચનો હુકમ પસાર કરી શકે છે. પરંતુ કારણદર્શક નોટીશમાં નિદિષ્ટ ચૌદ દિવસના સમયગાળામાં જો આવી વ્યકિત ન્યાયાલય અથવા મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર ન થાય અથવા ન્યાયાલય અથવા મેજિસ્ટ્રેટ સમક્ષ પોતાના કેસ બાબતમાં રજૂઆત ન કરે તો ન્યાયાલય અથવા મેજિસ્ટ્રેટ એક પક્ષીય હુકમ પસાર કરવા તરફ આગળ વધી શકે છે.

(૫) પેટા કલમ (૨)માં સમાવિષ્ટ કંઇપણ હોય તો પણ જો ન્યાયાલય અથવા મેજિસ્ટ્રેટ એવા મતના હોય કે ઉકત પેટા કલમ હેઠળ નોટીશ ઇશ્યુ કરવાથી ટાંચ અથવા જપ્તીનો હેતુ માયૌ જશે તો ન્યાયાલય અથવા મેજિસ્ટ્રેટ વચગાળાનો આદેશ પસાર કરીને એક પક્ષીય રીતે આવી સંપતિની ટાંચ અથવા જપ્તીનો નિર્દેશ આપશે અને આવો આદેશ હેઠળ પેટા કલમ (૬) હેઠળ આદેશ પસાર ન કરવામાં આવે ત્યાં સુધી અમલમાં રહેશે.

(૬) જો ન્યાયાલય અથવા મેજિસ્ટ્રેટને ટાંચમાં લીધેલી અથવા જપ્ત કરેલી મિલકતો ગુનાની આવક હોવાનું જણાય તો ન્યાયાલય અથવા મેજિસ્ટ્રેટ આદેશ દ્રારા જિલ્લા મેજિસ્ટ્રેટને ગુનાની આવી આવકનું આવા ગુનાથી પ્રભાવિત વ્યકિતઓમાં ભાગે પડતુ વિતરણ કરવાનો આદેશ આપશે.

(૭) પેટા કલમ (૬) હેઠળ પસાર કરાયેલો આદેશ પ્રાપ્ત થયે જિલ્લા મેજીસ્ટ્રેટ ૬૦ દિવસના સમયગાળાની અંદર ગુનાની આવક કયાં તો પોતે વિતરિત કરશે અથવા તેમના તાબાના કોઇપણ અધિકારીને આવું વિતરણ કરવા માટે અધિકૃત કરશે.

(૮) જો આવી આવક મેળવવા માટે કોઇ દાવેદાર ન હોય અથવા કોઇ દાવેદાર નકકી ન થઇ શકે તેમ હોય અથવા દાવેદારોને સંતોષ્યા પછી કોઇ ફાજલ હોય તો ગુનાની આવી આવક સરકાર ખાતે જપ્ત થઇ ગયેલી રહેશે