મંડળી વિખેરવા માટે સશસ્ત્ર દળોનો ઉપયોગ - કલમ : 149

મંડળી વિખેરવા માટે સશસ્ત્ર દળોનો ઉપયોગ

(૧) જો કલમ-૧૪૮ ની પેટા કલમ (૧)માં ઉલ્લેખાયેલ એવી કોઇ મંડળી બીજી રીતે વિખેરી શકાય નહી અને તેને વિખેરી નાખવાનું જાહેર સલામતી માટે જરૂરી હોય તો હાજર હોય તેવા ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ અથવા તેના દ્રારા અધિકૃત અન્ય કોઇ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ સશસ્ત્ર દળો વડે તેને વિખેરી નંખાવી શકશે.

(૨) એવા મેજિસ્ટ્રેટ સશસ્ત્ર દળની વ્યકિતઓની કોઇ ટુકડીના કોઇ કમાન્ડીંગ ઓફિસર પાસે તેની નીચેના સશસ્ત્ર દળની મદદથી એવી મંડળીને વિખેરી નાંખવા અને તે મંડળીમાં સામેલ હોય તે પૈકી જેના સબંધમાં એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ આદેશ આપે તે વ્યકિતઓને અથવા તે મંડળીને વિખેરી નાંખવા માટે કે કાયદા અનુસાર તેમને શિક્ષા કરવામાં આવે તે માટે પકડીને અટકાયતમાં રાખવાનું જરૂરી હોય તે વ્યકિતઓને પકડીને અટકાયતમાં રાખવા ફરમાવી શકશે.

(૩) સશસ્ત્ર દળના એ દરેક અધિકારી પોતાને યોગ્ય લાગે એ રીતે તે આદેશનો અમલ કરશે પરંતુ એમ કરવામાં તે મંડળીને વિખેરી નાખવા અને તે વ્યકિતઓને પકડીને અટકાયતમાં રાખવા માટે જરૂરી હોય તેટલા પ્રમાણમાં ઓછામાં ઓછા બળનો ઉપયોગ કરવો જોઇશે અને જાનમાલને ઓછામાં ઓછી ઇજા કરવી જોઇશે.