પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી બીજા પાસે ઝડતી વોરંટ કાઢવાની માંગણી કયારે કરી શકે - કલમ : 186

પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી બીજા પાસે ઝડતી વોરંટ કાઢવાની માંગણી કયારે કરી શકે

(૧) કોઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી અથવા સબ ઇન્સ્પેકટરથી નીચલા દરજજાના ન હોય તેવા પોલીસ તપાસ કરતા પોલીસ અધિકારી જે કેસમાં પોતે પોતાના સ્ટેશનની હદમાં ઝડતી લેવડાવી શકતા હોય તે જ કેસમાં તે જ જિલ્લાના કે જુદા જિલ્લાના બીજા કોઇ પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી પાસે કોઇપણ જગ્યાએ ઝડતી લેવડાવવા માંગણી કરી શકશે.

(૨) એ રીતે માંગણી થયે તે અધિકારીએ કલમ-૧૮૫ની જોગવાઇઓ અનુસાર કાયૅવાહી કરવી જોઇશે અને કોઇ વસ્તુ મળી આવે તો તે ઝડતી જેની વિનંતીથી લેવામાં આવેલ હોય તે અધિકારીને તે મોકલી આપવી જોઇશે.

(૩) કોઇ બીજા પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી પાસે પેટા કલમ (૧) હેઠળ ઝડતી લેવડાવતા ઢીલ થવાના પરિણામે કોઇ ગુનો થયાનો પુરાવો છુપાવી દેવાય અથવા તેનો નાશ કરી નંખાય એવો સંભવ છે એમ માનવાને કારણ હોય ત્યારે કલમ-૧૮૫ની જોગવાઇઓ અનુસાર કોઇ બીજા પોલીસ સ્ટેશનની હદમાં આવેલી કોઇ જગ્યા જાણે કે તેના પોતાના પોલીસ સ્ટેશનની હદમાં હોય તે રીતે તેની ઝડતી લેવાનું અથવા લેવડાવવાનું કોઇ પોલીસ સ્ટશેનના ઇન્ચાજૅ અધિકારી અથવા આ પ્રકરણ હેઠળ પોલીસ તપાસ કરતા પોલીસ અધિકારી માટે કાયદેસર ગણાશે.

(૪) પેટા કલમ (૩) હેઠળ ઝડતી લેનાર કોઇ અધિકારીએ તે જગ્યા જે પોલીસ સ્ટેશનની હદમાં હોય તેના ઇન્ચાજૅ અધિકારીને તે ઝડતીની નોટીશ તરત મોકલવી જોઇશે અને તેની સાથે કલમ-૧૦૩ હેઠળ યાદી તૈયાર કરી (હોય તો) તેની નકલ પણ મોકલવી જોઇશે અને તે ગુનાની વિચારણા શરૂ કરવાની સતા ધરાવતા નજીકમાં નજીકના મેજિસ્ટ્રેટને પણ કલમ-૧૮૫ ની પેટા કલમ (૧) અને (૩) માં ઉલ્લેખેલા રેકડૅની નકલો મોકલવી જોઇશે.

(૫) જેની ઝડતી લેવાયેલ હોય તે જગ્યાનો માલિક કે ભોગવટો કરનાર અરજી કરે તો તેને પેટા કલમ (૪) હેઠળ મેજિસ્ટ્રેટને મોકલાયેલા રેકડૅની નકલ વિના મૂલ્યે આપવી જોઇશે.