ચોવીસ કલાકમાં પોલીસ તપાસ પૂરી ન થઇ શકે ત્યારે કાયૅરીતિ - કલમ : 187

ચોવીસ કલાકમાં પોલીસ તપાસ પૂરી ન થઇ શકે ત્યારે કાયૅરીતિ

(૧) જયારે પણ કોઇ વ્યકિતને પકડીને કસ્ટડીમાં રાખવામાં આવે અને એમ જણાય કે કલમ-૫૮માં નકકી કરેલી ચોવીસ કલાકની મુદતની અંદર પોલીસ તપાસ પુરી થઇ શકે તેમ નથી અને આરોપ કે માહિતી વજૂદવાળી છે એમ માનવાને કારણો છે ત્યારે પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીએ અથવા પોલીસ તપાસ કરતા સબ ઇન્સ્પેકટર કરતા નીચલા દરજજાના ન હોય તે પોલીસ અધિકારીએ આ સંહિતામાં હવે પછી નિદિષ્ટ ડાયરીમાં કેસ સબંધી કરેલી નોંધોની એક નકલ નજીકમાં નજીકના મેજિસ્ટ્રેટને તરત મોકલવી જોઇશે અને આરોપીને તે જ સમયે તે મેજિસ્ટ્રેટ તરફ મોકલી દેવો જોઇશે.

(૨) આ કલમ હેઠળ આરોપીને જેની તરફ મોકલવામાં આવે તે મેજિસ્ટ્રેટ તે કેસની ઇન્સાફી કાયૅવાહી કરવાની પોતાને હકૂમત હોય કે ન હોય તો પણ આવી વ્યકિત જામીન ઉપર મુકત થયેલ નથી કે તેના જામીન રદ થયેલ છે તે ધ્યાને લીધા પછી વધુમાં વધુ પંદર દિવસની મુદત માટે આરોપીને એવા મેજિસ્ટ્રેટને યોગ્ય લાગે તેવી કસ્ટડીમાં રાખવાનો વખતો વખત અધિકાર આપી શકશે અથવા પેટા કલમ (૩) ની જોગવાઇ મુજબ યથાપ્રસંગ ૬૦ દિવસ અથવા ૯૦ દિવસના અટકાયતના સમયગાળાની શરૂઆતમાં ૪૦ દિવસ અથવા ૬૦ દિવસ દરમ્યાન કોઇપણ સમયે સંપૂણૅ અથવા ભાગોમાં અને તે કેસની ઇન્સાફી કાયૅવાહી કરવાની અથવા તેને ઇન્સાફી કાયૅવાહી માટે તે કમિટ કરવાની પોતાને હકૂમત ન હોય અને આરોપીને વધારે સમય અટકમાં રાખવાનું તેને બિનજરૂરી લાગે તો તે મેજિસ્ટ્રેટ એવી હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીને મોકલી આપવાનો હુકમ કરી શકશે.

(૩) તેમ કરવા માટે પૂરતા કારણ છે એવી મેજિસ્ટ્રેટને ખાતરી થાય તો તે પંદર દિવસની મુદત ઉપરાંત આરોપીને પોલીસ કસ્ટડી સિવાયની અટકાયતમાં રાખવા અધિકાર આપી શકશે પરંતુ કોઇપણ મેજિસ્ટ્રેટ

(૧) મૃત્યુદંડની આજીવનકેદની અથવા દસ વષૅની કેદની સજાને પાત્ર હોય તેવા ગુનાને લગતી તપાસ હોય ત્યારે નેવું દિવસથી

(૨) બીજા કોઇપણ ગુનાને લગતી પોલીસ તપાસ હોય ત્યારે સાઇઠ દિવસથી વધુ હોય તેવી કુલ મુદત માટે આ પેટા કલમ હેઠળ આરોપીને કસ્ટડીમાં રાખવાનો અધિકાર આપી શકશે નહી અને યથાપ્રસંગ સદરહુ નેવું દિવસની અથવા સાઇઠ દિવસની મુદત પૂરી થયે આરોપી જામીન આપવા તૈયાર હોય અને આપે તો તેને જામીન ઉપર છોડાવવામાં આવશે અને આ પેટા કલમ હેઠળ જામીન ઉપર છોડવામાં આવેલ દરેક વ્યકિત પ્રકરણ-૩૫ના હેતુઓ માટે તે પ્રકરણની જોગવાઇઓ હેઠળ એ રીતે છોડવામાં આવેલ ગણાશે.

(૪) આરોપીને પ્રથમ વખત તેની સમક્ષ રૂબરૂમાં હાજર કરવામાં આવે અને ત્યાર પછી આરોપી પોલીસ કસ્ટડીમાં હોય ત્યાં સુધી દરેક વખતે તેની સમક્ષ રૂબરૂમાં હાજર કરવામાં આવે તે સિવાય કોઇપણ મેજિસ્ટ્રેટ આ કલમ અન્વયે આરોપીને પોલીસની કસ્ટડીમાં અટકાયતમાં રાખવાનો અધિકાર આપશે નહીં પરંતુ આરોપીને રૂબરૂમાં અથવા ઓડિયો-વિડિયો ઇલેકટ્રોનિક માધ્યમ મારફતે રજૂ કયૅથી આરોપીની જયુડિશિયલ કસ્ટડીમાંની અટકાયત વધુ લંબાવી શકશે.

(૫) આ અર્થે ઉચ્ચન્યાયલય ખાસ રીતે સતા આપેલ ન હોય તેવા બીજા વગૅના કોઇપણ મેજિસ્ટ્રેટ પોલીસ કસ્ટડીમાં અટકાયતમાં રાખવા માટે અધિકાર આપી શકશે નહી.

સ્પષ્ટીકરણ.-૧ શંકાના નિવારણ માટે આથી જાહેર કરવામાં આવે છે કે પેટા કલમ (૩) માં નિદિષ્ટ કરેલી મુદત પૂરી થઇ હોય તે છતા આરોપી જામીન આપે નહી ત્યાં સુધી તેને કસ્ટડીમાં અટકાયતમાં રાખવામાં આવશે.

સ્પષ્ટીકરણ.-૨ પેટા કલમ (૪) હેઠળ ફરમાવ્યા પ્રમાણે કોઇ આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવેલ છે કે કેમ તેવો કોઇ પ્રશ્ન ઉપસ્થિત થાય તો આરોપીને હાજર કરાયાનું તેની અટકાયતનો અધિકાર આપતા હુકમ ઉપરની તેની સહીથી અથવા યથાપ્રસંગ મેજિસ્ટ્રેટ દ્રારા પ્રમાણિત કરાયેલ હુકમથી આરોપી વ્યકિતની ઓડિયો વિડિયો ઇલેકટ્રોનિક માધ્યમથી હાજરી સાબિત કરી શકાશે. પરંતુ ૧૮ વષૅથી ઓછી ઉંમરની સ્ત્રીના કિસ્સામા અટકાયતને રિમાન્ડ હોમ અથવા માન્યતા પ્રાપ્ત સામાજિક સંસ્થાની કસ્ટડીમાં જ અધિકૃત ગણવામાં આવશે. વધુમાં પોલીસ કસ્ટડી હેઠળ પોલીસ સ્ટેશનમાં અથવા જયુડિશિયલ કસ્ટડી હેઠળ જેલમાં અથવા કેન્દ્ર સરકાર કે રાજય સરકાર દ્રારા જેલ તરીકે જાહેર કરેલ કોઇ જગ્યા સિવાય કોઇપણ વ્યકિતને અટકાયતમાં રાખી શકાશે નહી.

(૬) પેટા કલમ (૧) થી પેટા કલમ (૫) માં ગમે તે મજકૂર હોય તે છતાં પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી અથવા પોલીસ તપાસ કરનાર પોલીસ અધિકારી સબ ઇન્સ્પેકટરના દરજજા કરતાં નીચલા દરજજાના ન હોય તો તે મેજિસ્ટ્રેટ ઉપલભ્ય ન હોય ત્યાં જેને મેજિસ્ટ્રેટની સતાઓ સોંપવામાં આવી હોય તેવા સૌથી નજીકના એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટને કેસને લગતી આમાં હવે પછી નિદિષ્ટ કરેલ ડાયરીમાં નોંધની નકલ મોકલશે અને તે જ વખતે આરોપીને તેવા એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલશે અને તેમ થયે એવા એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ કારણોની લેખીત નોંધ કરીને એકંદરે સાત દિવસ કરતાં વધુ ન હોય તેટલી મુદત સુધી પોતાને યોગ્ય લાગે તેવી કસ્ટડીમાં આરોપીને અટકાયતમાં રાખવાનો અધિકાર આપી શકશે અને એવી રીતે અધિકૃત કરેલી અટકાયતની મુદત પૂરી થતા આરોપીને વધુ અટકાયતમાં રાખવા માટેનો હુકમ તેવો હુકમ કરવાની સતા ધરાવતા મેજિસ્ટ્રેટે કર્યોૌ હોય તે સિવાય તેને જામીન ઉપર છોડાવામાં આવશે અને એવી વધુ અટકાયત માટેનો હુકમ કરવામાં આવે ત્યારે જે મુદત દરમ્યાન આરોપીને આ પેટા કલમ હેઠળ એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટે કરેલા હુકમ હેઠળ કસ્ટડીમાં રાખવામાં આવ્યો હોય તે મુદત પેટા કલમ (૩)માં નિર્દિષ્ટ કરેલ મુદતની ગણતરી કરવામાં ધ્યાનમાં લેવી જોઇશે. પરંતુ ઉપયુકત મુદત પુરી થતાં પહેલા એકિઝકયુટિવ મેજિસ્ટ્રેટ સૌથી નજીકના મેજિસ્ટ્રેટને યથાપ્રસંગ પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીએ અથવા પોલીસ તપાસ કરનાર પોલીસ અધિકારીએ તેને મોકલ્યો હોય તે કેસને લગતી ડાયરીમાં નોંધોની નકલ સહિત કેસના રેકર્ડ મોકલશે.

(૭) આ કલમ હેઠળ પોલીસ કસ્ટડીમાં રાખવાનો અધિકાર આપતા મેજિસ્ટ્રેટે તેમ કરવાના પોતાના કારણોની લેખિત નોંધ કરવી જોઇશે.

(૮) ચફી જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સિવાયના કોઇ મેજિસ્ટ્રેટ એવો હુકમ કરે તો તેણે તે કરવાના પોતાના કારણો સહિત હુકમની એક નકલ ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટને મોકલવી જોઇશે.

(૯) સમન્સ કેસ તરીકે મેજિસ્ટ્રેટ જેની ઇન્સાફી કાયૅવાહી કરી શકે તેવા કોઇપણ કેસમાં જે તારીખે આરોપીને પકડવામાં આવેલ હોય તે તારીખથી છ મહિનાની મુદતની અંદર પોલીસ તપાસ પૂરી થયેલ ન હોય તો પોલીસ તપાસ કરતાં અધિકારી મેજિસ્ટ્રેટને એવી ખાતરી કરી આપે કે ખાસ કારણોને લીધે અને ન્યાયના હિતમાં છ મહિનાથી વધુ મુદત માટે પોલીસ તપાસ ચાલુ રાખવી જરૂરી છે તે સિવાય મેજિસ્ટ્રેટે ગુનાની વધુ પોલીસ તપાસ બંધ કરવાનો હુકમ કરવો જોઇશે.

(૧૦) પેટા કલમ (૯) હેઠળ ગુનાની વધુ પોલીસ તપાસ બંધ કરતો કોઇ હુકમ કરવામાં આવેલ હોય ત્યારે પોતાને કરવામાં આવેલ અરજી ઉપરથી કે બીજી રીતે સેશન્સ જજને ખાતરી થાય કે ગુનાની વધુ પોલીસ તપાસ કરવાની જરૂર છે તો તે પેટા કલમ (૯) હેઠળ કરેલો હુકમ રદ કરી શકશે અને તે નિર્દિષ્ટ કરે તેવા જામીન અને બીજી બાબત સબંધી આદેશને અધીન રહીને ગુનાની વધુ પોલીસ તપાસ કરવાનું ફરમાવી શકશે.