પુરાવો પૂરતો હોય ત્યારે કેસ મેજિસ્ટ્રેટને મોકલી આપવા બાબત - કલમ : 190

પુરાવો પૂરતો હોય ત્યારે કેસ મેજિસ્ટ્રેટને મોકલી આપવા બાબત

(૧) આ પ્રકરણ હેઠળ પોલીસ તપાસ કરનાર પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીને એમ જણાય કે ઉપર જણાવ્યા પ્રમાણે પૂરતો પુરાવો કે વાજબી કારણ છે તો તે અધિકારીએ પોલીસ રિપોટૅ ઉપરથી ગુનાની વિચારણા શરૂ કરવાની અને આરોપી સામે ઇન્સાફી કાયૅવાહી કરવાની અથવા તેને ઇન્સાફી કાયૅવાહી માટે કમિટ કરવાની સતા ધરાવતા મેજિસ્ટ્રેટ સમક્ષ આરોપીને કસ્ટડી હેઠળ મોકલી આપવો જોઇશે અથવા તે ગુનો જામીની હોય અને આરોપી જામીનગીરી આપી શકે તેમ હોય તો નિયત દિવસે તે મેજિસ્ટ્રેટ સમક્ષ તેણે હાજર રહેવા માટે અને બીજો કોઇ આદેશ આપવામાં ન આવે ત્યાં સુધી તે મેજિસ્ટ્રેટ સમક્ષ તેણે રોજ હાજર થવા માટે તેની પાસેથી જામીનગીરી લેવી જોઇશે. પરંતુ જો આરોપી કસ્ટડીમાં ન હોય તો પોલીસ અધિકારી આવી વ્યકિતની મેજિસ્ટ્રેટ સમક્ષની હાજરીની જામીનગીરી લેશે અને જે મેજિસ્ટ્રેટને આવો રિપોટૅ મોકલાવવામાં આવેલ હોય તે આરોપી કસ્ટડીમાં નથી એવા કારણે આવા રિપોટૅ સ્વીકારવાની ના પાડી શકશે નહી.

(૨) પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારી આ કલમ હેઠળ આરોપીને મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલે અથવા તે મેજિસ્ટ્રેટ સમક્ષ તેની હાજરી માટે જામીનગીરી લે ત્યારે તે મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવું જરૂરી હોય તે શસ્ત્ર કે બીજી વસ્તુ તેને મોકલી આપશે અને કોઇ ફરિયાદી (હોય તો તેને) અને તે કેસની હકીકત અને સંજોગોથી જે વ્યકિતઓ માહિતગાર હોવાનું પોતાને જણાય તે પૈકી પોતે જરૂરી ગણે તેટલી વ્યકિતઓને મુચરકામાં જણાવ્યા પ્રમાણે તે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર રહી આરોપી ઉપરના ત્હોમતની બાબતમાં (યથાપ્રસંગ) ફોજદારી કામ ચલાવવા માટે અથવા પુરાવા આપવા માટે મુચરકો આપવા ફરમાવશે.

(૩) મુચરકામાં ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટના ન્યાયાલયનું નામ જણાવેલ હોય તે મેજિસ્ટ્રેટ જે ન્યાયાલય સમક્ષ તે કેસ તપાસ કે ઇન્સાફી કાયૅવાહી માટે મોકલે કે ન્યાયાલયનો તે રીતે મોકલ્યાની તે ફરિયાદી કે વ્યકિતઓને વાજબી નોટીશ આપવાની શરતે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટના ન્યાયાલયમાં સમાવેશ થયેલો ગણાશે.

(૪) જેની હાજરીમાં મુચરકો લેવામાં આવ્યો હોય તે અધિકારી મુચરકાની એક નકલ તે આપનારા પૈકી એક વ્યકિતને આપશે અને ત્યાર પછી અસલ મુચરકો પોતાના રિપોટૅ સાથે મેજિસ્ટ્રેટને મોકલશે.