લગ્ન અંગેના ગુનાઓ માટે ફોજદારી કામ ચલાવવા બાબત - કલમ : 219

લગ્ન અંગેના ગુનાઓ માટે ફોજદારી કામ ચલાવવા બાબત

(૧) ગુનાનો ભોગ બનેલ કોઇ વ્યકિતએ કરેલી ફરિયાદ ઉપરથી હોય તે સિવાય ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમો-૮૧ થી ૮૪ (બંને સહિત) હેઠળ શિક્ષાપાત્ર ગુનાની કોઇ ન્યાયાલય વિચારણા શરૂ કરી શકશે નહી. પરંતુ

(એ) જયારે તે વ્યકિત કોઇ બાળક હોય અથવા અસ્થિર મગજની હોય અથવા તે બૌધ્ધિક અસક્ષમતા ધરાવતો હોય જેને ઉચ્ચ સહાયતાની જરૂર હોય તેના કારણે ફરિયાદ કરી શકે તેમ ન હોય અથવા તે એવી સ્ત્રી હોય કે જેને સ્થાનિક રીત રિવાજ અનુસાર જાહેરમાં હાજર થવા માટે ફરજ પાડવી ન જોઇએ તો ન્યાયાલયની પરવાનગીથી અન્ય કોઇ વ્યકિત તેના અથવા તેણીના વતી ફરિયાદ કરી શકશે.

(બી) તે વ્યકિત પતિ હોય અને તે સંઘના સશસ્ત્ર દળમાં એવી પરિસ્થિતિમાં નોકરી કરી રહેલ હોય કે જાતે હાજર રહી ફરિયાદ કરી શકે તે માટે તેને રજા મળે તેમ ન હોવાનું તેના કમાન્ડીંગ ઓફિસરે પ્રમાણિત કર્યું હોય તો પેટા કલમ (૪) ની જોગવાઇઓ અનુસાર પતિએ અધિકાર આપેલ અન્ય કોઇ વ્યકિત તેના વતી ફરિયાદ કરી શકશે.

(સી) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૮૨ હેઠળ શિક્ષાપાત્ર ગુનાનો ભોગ બનેલ વ્યકિત પત્ની હોય ત્યારે તેના વતી તેના પિતા, માતા, ભાઈ, બહેન, પુત્ર કે પુત્રી અથવા કાકા કે ફોઇ અથવા મામા કે માસી અથવા ન્યાયાલયની રજાથી તેણી સાથે લોહી, લગ્ન અથવા દત વીધાનથી સબંધ ધરાવતી અન્ય કોઇ વ્યકિત ફરિયાદ કરી શકશે.

(૨) પેટા કલમ (૧) ના હેતુઓ માટે સ્ત્રીના પતિ સિવાયની કોઇ વ્યકિત સદરહુ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ-૮૪ ' હેઠળ શિક્ષાપાત્ર કોઇ ગુનાનો ભોગ બનેલ હોવાનું ગણાશે નહી.

(૩) પેટા કલમ (૧) ના પરંતુકના ખંડ (એ) હેઠળ આવતા કોઇ કેસમાં બાળક અથવા અસ્થિર મગજની વ્યકિત વતી ફરિયાદ કરવા ધારનાર વ્યકિતને સતા ધરાવતા અધિકારીએ તે બાળક કે અસ્થિર મગજની વ્યકીતના વાલી તરીકે નીમેલ કે જાહેર કરેલ ન હોય અને ન્યાયાલયને ખાતરી થાય કે કોઇ વાલી એ રીતે નિમાયેલ કે જાહેર કરાયેલ છે ત્યારે ન્યાયાલયે પરવાનગી માટેની અરજી મંજુર કરતા પહેલા એવા વાલીને નોટીશ અપાવવી જોઇશે અને તેને સુનાવણીની વાજબી તક આપવી જોઇશે.

(૪) પેટા કલમ (૧) ના પરંતુકના ખંડ (બી) માં ઉલ્લેખેલ અધિકારપત્ર લેખિત હોવો જોઈશે પતિએ તેના ઉપર સહી કે અન્યથા શાખ કરેલી હોવી જોઇશે જે આક્ષેપોના આધારે ફરિયાદ કરવા ધારેલ છે તેની પોતાને જાણ કરવામાં આવી છે એવા મતલબનું કથન તેમા હોવું જોઇશે તેના કમાન્ડીંગ અધિકારીએ તેના ઉપર સામી સહી કરી હોવી જોઇશે અને જાતે ફરિયાદ કરવા માટે પતિને તે સમયે રજા આપી શકાય તેમ નથી એવી મતલબનું તે અધિકારીની સહીવાળુ પ્રમાણપત્ર તેની સાથે સામેલ હોવું જોઇશે.

(૫) એવો અધિકારપત્ર હોવાનું અને પેટા કલમ (૪) ની જોગવાઇઓ અનુસાર હોવાનું અભિપ્રેત હોય તેવો કોઇ દસ્તાવેજ અને તે પેટા કલમ મુજબ આવશ્યક એવું પ્રમાણપત્ર હોવાનું અભિપ્રેત હોય તેવો કોઈ દસ્તાવેજ આથી વિરૂધ્ધનું સાબિત કરવામાં ન આવે તો ખરા હોવાનું માની લેવું જોઇશે અને તેમને પુરાવામાં સ્વીકારવા જોઇશે.

(૬) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૬૪ હેઠળનો ગુનો કોઇ માણસે પોતાની જ પત્ની સાથે પત્ની અઢાર વષૅથી ઓછી વયની હોય ત્યારે સંભોગ કયૅ । બાબતનો હોય અને ગુનો થયાની તારીખથી એક વષૅ કરતા વધુ સમય વીતી ગયો હોય તો તે ગુનાની કોઇ ન્યાયાલય વિચારણા શરૂ કરી શકશે નહી.

(૭) આ કલમની જોગવાઇઓ ગુનાને લાગુ પડે છે તે પ્રમાણે તે ગુનાના દુમ્પ્રેરણ કે કોશિશને લાગુ પડશે