
કામગીરી હુકમ કાઢવાનું મુલતવી રાખવા બાબત
(૧) જે ગુનાની વિચારણા શરૂ કરવાનો પોતાને અધિકાર હોય તેની અથવા કલમ-૨૧૨ મુજબ પોતાને સોંપવામાં આવી હોય તેવી ફરિયાદ મળતા મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તો અને તેઓ તેમની હકૂમત ધરાવતા હોય તે વિસ્તારની બહાર આરોપી રહેતો હોય તેવા કેસમાં આરોપી સામે કામગીરી હુકમ કાઢવાનું મુલતવી રાખી શકશે અને કાયૅવાહી માટે પૂરતુ કારણ છે કે નહી તે નકકી કરવાના હેતુ માટે તે કેસની જાતે તપાસ કરી શકશે અથવા પોલીસ અધિકારીને કે પોતાને યોગ્ય લાગે તે અન્ય વ્યકિતને પોલીસ તપાસ કરવા આદેશ આપી શકશે.
પરંતુ પોલીસ તપાસ માટેનો એવો કોઇ આદેશ નીચેના સંજોગોમાં આપી શકાશે નહી.
(એ) મેજિસ્ટ્રેટને એવું જણાય કે ફરિયાદ કરવામાં આવી છે તે ગુનાની ઇન્સાફી કાયૅવાહી સેશન્સ ન્યાયાલય જ કરી શકે તેમ છે અથવા
(બી) કોઇ ન્યાયાલય ફરિયાદ કરેલ ન હોય ત્યારે કોઇપણ ફરિયાદી અને હાજર હોય તે કોઇપણ સાક્ષીઓની કલમ-૨૨૩ હેઠળ સોગંદ ઉપર જુબાની લેવામાં આવી ન હોય તો
(૨) પેટા કલમ (૧) હેઠળની તપાસમાં મેજિસ્ટ્રેટ પોતાને યોગ્ય લાગે તો સાક્ષીઓનો સોગંદ ઉપર પુરાવો લઇ શકશે.
પરંતુ મેજિસ્ટ્રેટને એવું જણાય કે જેની ફરિયાદ કરવામાં આવી છે તે ગુનાની ઇન્સાફી કાયૅવાહી સેશન્સ ન્યાયાલય જે કરી શકે તેમ છે તો તેણે ફરિયાદીને તેના તમામ સાક્ષીઓ રજૂ કરવાનું ફરમાવવું જોઇશે અને તેમની સોગંદ ઉપર જુબાની લેવી જોઇશે.
(૩) પોલીસ અધિકારી સિવાયની વ્યકિતએ પેટા કલમ (૧) હેઠળ પોલીસ તપાસ કરેલ હોય તો તે વ્યકિતને તેવી પોલીસ તપાસ માટે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારીને આ સંહિતાથી મળેલી વગર વોરંટ પકડવા સિવાયની તમામ સતા રહેશે.
Copyright©2023 - HelpLaw