ફરિયાદ ઉપરથી થયેલ અને તે જ ગુનાના સબંધમાં પોલીસ તપાસ થયેલ હોય ત્યારે અનુસરવાની કાયૅરીતિ - કલમ : 233

ફરિયાદ ઉપરથી થયેલ અને તે જ ગુનાના સબંધમાં પોલીસ તપાસ થયેલ હોય ત્યારે અનુસરવાની કાયૅરીતિ

(૧) પોલીસ રિપોટૅ ઉપરથી હોય તે સિવાય શરૂ થયેલ કેસ (જેનો આમાં હવે પછી ફરિયાદ કેસ તરીકે ઉલ્લેખ કરેલ છે તે) માં મેજિસ્ટ્રેટે કરેલી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન તેને એવી જાણ કરવામાં આવે કે પોતે જેની તપાસ કે ઇન્સાફી કાયૅવાહી હાથ ધરેલ છે તે ગુનાના સબંધમાં પોલીસ તપાસ ચાલુ છે ત્યારે મેજિસ્ટ્રેટે એવી તપાસ કે ઇન્સાફી કાયૅવાહી સ્થગિત કરી દેવી જોઇશે અને પોલીસ તપાસ કરતા પોલીસ અધિકારી પાસેથી તે બાબતનો રિપોટૅ તેણે મંગાવવો જોઇશે.

(૨) પોલીસ તપાસ કરનાર પોલીસ અધીકારી કલમ-૧૯૩ હેઠળ રિપોટૅ કરે અને એવા રિપોટૅ ઉપરથી ફરીયાદ કેસમાં જે આરોપી હોય તે વ્યકિત સામે મેજિસ્ટ્રેટે કોઇ ગુનાની વિચારણા શરૂ કરેલ હોય તો મેજિસ્ટ્રેટે ફરિયાદ કેસ અને પોલીસ રિપોટૅ ઉપરથી ઉપસ્થિત થયેલ કેસ બંને પોલીસ રિપોટૅ ઉપરથી શરૂ કરવામાં આવ્યા હોય તેમ બંનેની એક સાથે તપાસ કે ઇન્સાફી કાયૅવાહી કરવી જોઇશે.

(૩) પોલીસ રિપોટૅ ફરિયાદ કેસમાંના કોઇ આરોપીને લગતો ન હોય તો અથવા મેજિસ્ટ્રેટ પોલીસ રિપોટૅ ઉપરથી કોઇ ગુનાની વિચારણા શરૂ ન કરે તો જે તપાસ કે ઇન્સાફી કાયૅવાહી તેણે સ્થગિત કરી હોય તે તપાસ કે ઇન્સાફી કાયૅવાહી તેણે આ સંહિતાની જોગવાઇઓ અનુાર આગળ ચલાવવી જોઇશે.