કેસનો નીકાલ - કલમ : 293

કેસનો નીકાલ

જયાં કલમ-૨૯૨ હેઠળ કેસનો કોઇ સંતોષકારક નિકાલ તૈયાર કરાયો હોય ત્યાં ન્યાયાલય કેસનો નિકાલ નીચે જણાવેલી રીતે કરશે એટલે કે

(એ) ન્યાયાલય ભોગ બનનાર વ્યકિતને કલમ-૨૯૨ હેઠળ નિકાલ મુજબનું વળતર આપશે અને સજાના પ્રમાણ માટે આરોપીની સારી વતૅણુંકની અજમાયશ પરથી કે કલમ-૪૦૧ હેઠળ તાકીદ આપીને છોડી મુકવા અથવા ગુનેગાર પરિવિક્ષા અધિનિયમ ૧૯૫૮ (૧૯૫૮નો ૨૦મો) કે જે તે સમયે અમલમાં હોય તેવા અન્ય કાયદા હેઠળ આરોપીની બાબતમાં કાયૅવાહી કરવા પક્ષકારોની સુનાવણી કરશે અને આરોપીને દંડ કરવા માટે પશ્વાદૃવતી ખંડોમાં નિદિષ્ટ પ્રક્રિયાનુ પાલન કરશે.

(બી) ખંડ (એ હેઠળ પક્ષકારોની સુનાવણી પછી જો ન્યાયાલયનો મત એવો થાય કે કલમ-૪૦૧ અથવા ગુનેગાર પરિવિક્ષા અધિનિયમ ૧૯૫૮ (૧૯૫૮નો ૨૦મો) અથવા જે તે સમયે અમલમાં હોય તેવા અન્ય કાયદાની જોગવાઈ આરોપીના કેસમાં લાગુ પડે છે તો તે આરોપીને અજમાયશી સ્વરૂપે છોડી મુકી શકશે કે એવા કોઇ કાયદાનો લાભ આપી શકશે.

(સી) ખંડ (બી) હેઠળ પક્ષકારોને સાંભળ્યા પછી જો ન્યાયાલયને એવી જાણ થાય કે આરોપી દ્રારા કરવામાં આવેલ ગુના માટે કાયદામાં ન્યુનતમ શીક્ષાની જોગવાઇ કરવામાં આવેલ છે તો તે આરોપીને તેવો ન્યૂનતમ શિક્ષા કરી શકશે અને જયારે આરોપી પ્રથમ વખતનો ગુનેગાર હોય અને અગાઉ કોઇપણ ગુના માટે દોષિત ઠરેલ ન હોય તો તે આરોપીને તેવી ઓછામાં ઓછી શિક્ષાના ચોથા ભાગ જેટલી સજા કરી શકશે.

(ડી) ખંડ (બી) હેઠળ પક્ષકારોને સાંભળ્યા પછી જો ન્યાયાલયને એવી જાણ થાય કે આરોપી દ્રારા કરવામાં આવેલ ગુનો ખંડ (બી) અથવા ખંડ (સી) માં સમાવિષ્ટ થતો નથી તો તે આરોપીને એવા ગુના માટે ઠરાવેલ સજાના ચોથા ભાગની સજા કરશે કે તેમા વધારો કરી શકશે અને જયારે આરોપી પ્રથમ વખતનો ગુનેગાર હોય અને અગાઉ કોઇપણ ગુના માટે દોષિત ઠરેલ ન હોય તો એવા ગુના માટે ઠરાવેલ સજાના છઠ્ઠા ભાગની સજા કરશે કે તેમા વધારો કરી શકશે.