આરોપીની જુબાનીની નોંધ - કલમ : 316

આરોપીની જુબાનીની નોંધ

(૧) કોઇપણ મેજિસ્ટ્રેટ અથવા સેશન્સ ન્યાયાલય આરોપીની જુબાની લે ત્યારે તેને પુછેલા દરેક પ્રશ્ન અંગે તેણે આપેલા દરેક જવાબ સહિત સમગ્ર જુબાની પૂરેપૂરી પ્રમુખ જજે કે મેજિસ્ટ્રેટે જાતે લખી લેવી જોઇશે અથવા જો શારીરિક કે બીજી અશકિતને લીધે પોતે તેમ કરી શકે તેમ ન હોય તો આ માટે તેણે નીમેલા ન્યાયાલયના અધિકારીએ તેની દોરવણી અને દેખરેખ હેઠળ લખી લેવી જોઇશે.

(૨) લખાણ શકય હોય તો જે ભાષામાં આરોપીની જુબાની લેવામાં આવી હોય તે ભાષામાં અથવા જો તે પ્રમાણે શકય ન હોય તો ન્યાયાલયની ભાષામાં હોવું જોઇશે.

(૩) તે લખાણ આરોપીને બતાવી કે વાંચી સંભળાવવુ જોઇશે અથવા તે લખાણની ભાષા સમજતો ન હોય તો તે સમજતો હોય તે ભાષામાં તેને સમજાવવું જોઇશે અને તેને પોતાના જવાબ સમજાવવાની કે તેમાં ઉમેરો કરવાની છૂટ રહેશે.

(૪) ત્યાર બાદ તેમાં આરોપીએ સહી કરવી જોઇશે એન મજિસ્ટ્રેટે કે પ્રમુખ જજે સહી કરી એવું પ્રમાણિત કરવું જોઇશે કે જુબાની તેની હાજરીમાં અને તેને સંભળાય તેમ લેવામાં આવી હતી અને તેમાં આરોપીએ કરેલ કથનનું પૂરેપૂરૂ અને ખરૂ બયાન લખી લેવામાં આવેલ છે.

પરંતુ જયારે આરોપી કસ્ટડીમાં હોય અને ઇલેકટ્રોનિક સંદેશા વ્યવહાર દ્રારા જુબાની લેવામાં આવેલ હોય ત્યારે આવી જુબાની લીધાના ૭૨ કલાકની અંદર તેની સહી લેવી જોઇશે.

(૫) સંક્ષિપ્ત રીતે થતી ઇન્સાફી કાયૅવાહી દરમ્યાનની લીધેલ આરોપીની જુબાનીને આ કલમમાં કોઇ મજકૂર લાગુ પડતો હોવાનું ગણાશે નહી.