
માફીની શરતો ન પાળનાર ઇન્સાફી કાયૅવાહી
(૧) કલમ-૩૪૩ કે કલમ-૩૪૪ હેઠળ અપાયેલ માફી સ્વીકારવાના સબંધમાં પબ્લિક પ્રોસિકયુટર એમ પ્રમાણિત કરે કે તેના અભિપ્રાય મુજબ તેણે જાણી બુજીને કોઇ મહત્વની વાત છુપાવીને અથવા ખોટો પુરાવો આપીને માફીની શરત પાળી નથી ત્યારે જે ગુના માટે રે રીતે માફી અપાયેલ હોય તે ગુના માટે અથવા તે જ બાબતના સબંધમાં બીજા જે ગુના માટે તે દોષિત જણાય તે ગુના માટે અને ખોટો પુરાવો આપવાના ગુના માટે તેની સામે ઇન્સાફી કાયૅવાહી કરી શકાશે. પરંતુ બીજા આરોપીઓ પૈકીના કોઇની સાથે તે વ્યકિતની ઇન્સાફી કાયૅવાહી કરી શકાશે નહી. વધુમાં ખોટો પુરાવો આપવાના ગુના માટે ઉચ્ચન્યાયાલયની મંજૂરી વિના તે વ્યકિતની ઇન્સાફી કાયૅવાહી કરી શકાશે નહી અને કલમ-૨૧૫ કે કલમ-૩૭૯ માંનો કોઇપણ મજકૂર તે ગુનાને લાગુ પડશે નહી.
(૨) માફીનો સ્વીકાર કરનાર વ્યકિતએ કરેલ અને કલમ-૧૮૩ હેઠળ મેજિસ્ટ્રેટે નોંધેલ અથવા કલમ-૩૪૩ ની પેટા કલમ (૪) હેઠળ ન્યાયાલયે નોંધેલ કોઇ કથન એવી ઇન્સાફી કાયૅવાહી વખતે તેની વિરૂધ્ધ પુરાવામાં આપી શકાશે.
(૩) એવી ઇન્સાફી કાયૅવાહી વખતે આરોપી એવો જવાબ આપવા હકદાર રહેશે કે જે શરતે માફી આપવામાં આવી હતી તે શરત પોતે પાળી છે અને તેમ થાય તો ફરિયાદ પક્ષે એવું પુરવાર કરવાનું રહેશે કે શરતનું પાલન થયેલ નથી.
(૪) એવી ઇન્સાફી કાયૅવાહી વખતે ન્યાયાલયે નીચે જણાવેલ તબકકે આરોપીને પુછવું જોઇશે કે માફીની શરતો તેણે પાળેલ હોવાનું તે કહે છે કે કેમ
(એ) તે સેશન્સ ન્યાયાલય હોય તો આરોપીને ત્હોમતનામું વાંચી સંભળાવીને સમજાવતાં પહેલા
(બી) તે મેજિસ્ટ્રેટનું ન્યાયાલય હોય તો ફરિયાદ પક્ષના સાક્ષીઓની જુબાની લેતા પહેલા
(૫) આરોપી તે પ્રમાણે કહે તો ન્યાયાલય તેના જવાબની લેખિત નોંધ કરીને ઇન્સાફી કાયૅવાહી આગળ ચલાવવી જોઇશે અને તે કેસમાં ફેંસલો આપવામાં આવે તે પહેલા આરોપીએ માફીની શરતો પાળી છે કે નહી તેનો નિણૅય કરવો જોઇશે અને તેણે શરતો પાળી છે એવો નિણૅય થાય તો આ સંહિતામાં ગમે તે મજકૂર હોય તે છતા તેને નિદૌષ ઠરાવી છોડી મૂકવાનો ફેંસલો આપવો જોઇશે.
Copyright©2023 - HelpLaw