ચલણી સિકકા સ્ટેમ્પ અંગેના કાયદા કે મિલકત વિરૂધ્ધના ગુના માટે અગાઉ દોષિત ઠરેલ વ્યકિતઓ સામેની ઇન્સાફી કાયૅવાહી - કલમ : 363

ચલણી સિકકા સ્ટેમ્પ અંગેના કાયદા કે મિલકત વિરૂધ્ધના ગુના માટે અગાઉ દોષિત ઠરેલ વ્યકિતઓ સામેની ઇન્સાફી કાયૅવાહી

(૧) જે કોઇ વ્યકિત પોતે ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ના પ્રકરણ-૧૦ કે પ્રકરણ-૧૭ હેઠળ ત્રણ વષૅ કે તેથી વધુ મુદતની કેદની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરેલ હોય અને તેની ઉપર આ બેમાંથી કોઇ પ્રકરણ હેઠળ ત્રણ વષૅની કે તેથી વધુ મુદતની કેદની શિક્ષાને પાત્ર કોઇ ગુનાનો ફરીથી આરોપ મૂકવામાં આવે અને જે મેજીસ્ટ્રેટની સમક્ષ તેનો કેસ ચાલતો હોય તેને એમ ખાતરી થાય કે તે વ્યકિતએ ગુનો કરેલ હોવાનું માની લેવાને કારણ છે ત્યારે મેજિસ્ટ્રેટને કેસની ઇન્સાફી કાયૅવાહી કરવાની કાયદેસર સતા હોય અને તેનો અભિપ્રાય એવો થાય કે આરોપી દોષિત ઠરે તો પોતે તેને પૂરતી સજા ફરમાવી શકશે તે સિવાય આરોપીને ઇન્સાફી કાયૅવાહી માટે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવો જોઇશે અથવા સેશન્સ ન્યાયાલયને કમિટ કરવો જોઇશે.

(૨) પેટા કલમ (૧) હેઠળ કોઇ વ્યકિતને ઇન્સાફી કાયૅવાહી માટે ચીફ જયુડિશિયલ મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલવામાં આવે અથવા સેશન્સ ન્યાયાલયને કમિટ કરવામાં આવે ત્યારે તે જ તપાસ કે ઇન્સાફી કાયૅવાહીમાંના તેના સહ આરોપીને યથાપ્રસંગ કલમ-૨૬૨ કે કલમ-૨૬૮ હેઠળ મેજિસ્ટ્રેટ છોડી ન મૂકે તો તેને પણ એ જ પ્રમાણે ઇન્સાફી કાયૅવાહી માટે મોકલવો અથવા સેશનસ ન્યાયાલયને કમિટ કરવો જોઇશે