આરોપી અસ્થિર મગજનો હોય ત્યારે કાયૅરીતિ - કલમ : 367

આરોપી અસ્થિર મગજનો હોય ત્યારે કાયૅરીતિ

(૧) કોઇ તપાસ કરનાર મેજિસ્ટ્રેટને એમ માનવાને કારણ હોય કે જે આરોપી સામે તપાસ થઇ રહેલ છે તે વ્યકિત અસ્થિર મગજની છે અને તેથી પોતાનો બચાવ કરી શકે તેમ નથી તો મેજિસ્ટ્રેટે તેના મગજની અસ્થિરતા બાબત તપાસ કરવી જોઇશે અને જિલ્લાના સિવિલ સજૅન અથવા રાજય સરકાર આદેશ આપે તેવા બીજા તબીબી અધિકારી પાસે તેને તપાસાવવો જોઇશે અને તેમ થયા પછી તે સજૅન કે બીજા તબીબી અધિકારીને સાક્ષી તરીકે તપાસી તેની જુબાની લખી લેવી જોઇશે.

(૨) જો સિવિલ સર્જનને એવું જણાય કે આરોપી વ્યકિત અસ્થિર મગજની છે ત્યારે તે આવી વ્યકિતને દેખરેખ ઇલાજ અને સ્થિતિના પુવૅજાનુમાન માટે સરકારી હોસ્પિટલના અથવા સરકારી મેડિકલ કોલેજના મનોચિકિત્સક અથવા કિલનિકલ મનોવૈજ્ઞાનિક પાસે મોકલશે અને મનોચિકિત્સક અથવા કિલનિકલ મનોવૈજ્ઞાનિક યથાપ્રસંગ જે હોય તે મેજિસ્ટ્રેટને એવી માહિતી આપશે કે આરોપી મગજની અસ્થિરતા કે બૌધ્ધિક અસક્ષમતાથી પીડિત છે કે કેમ પરંતુ એવી જોગવાઇ કરવામાં આવી છે કે યથાપ્રસંગ મનોચિકિત્સક અથવા કિલનિકલ મનોવૈજ્ઞાનિક જે હોય તેના દ્રારા મેજિસ્ટ્રેટને આપેલ માહિતીથી જો આરોપી નારાજ હોય તો તે મેડિકલ બોર્ડ સમક્ષ એક અપીલ તૈયાર કરી શકશે આવા બોડૅમાં

(એ) નજીકની સરકારી હોસ્પીટલમાંના મનોવૈજ્ઞાનિક એકમના વડા અને

(બી) નજીકની મેડિકલ કોલેજમાંના કોઇ મનોવૈજ્ઞાનિક ફેકલ્ટીના સભ્ય હશે.

(૩) એવી તબીબી તપાસ અને મગજની અસ્થિરતા વિશેની તપાસ થતા દરમ્યાન તે મેજિસ્ટ્રેટ તે આરોપી અંગે કલમ-૩૬૯ ની જોગવાઇઓ અનુસાર કાયૅવાહી કરી શકશે.

(૪) જો એવા મેજિસ્ટ્રેટને એવી માહિતી આપવામાં આવે કે પેટા કલમ (૨) માં ઉલ્લેખ કરેલ વ્યકિત અસ્થિર મગજની છે તો મેજિસ્ટ્રેટ આગળ નકકી કરશે કે મગજની અસ્થિરતાના આરોપી પોતાનો બચાવ કરવા અસમથૅ બનાવે છે કે કેમ અને જો આરોપી અસમથૅ જણાય તો મેજિસ્ટ્રેટ તેમ કરવાના તારણ નોંધશે અને ફરિયાદપક્ષ દ્રારા રજૂ કરવામાં આવેલ પુરાવાનો રેકર્ડ તપાસશે અને આરોપીના એડવોકેટને સાંભળ્યા બાદ પરંતુ આરોપીને પ્રશ્નો પૂછયા વિના જો તેમને એવું લાગે કે આરોપી વિરૂધ્ધ કોઇ પ્રથમદર્શનીય કેસ બનતો નથી ત્યારે તેઓ તપાસ મુલતવી રાખવાને બદલે આરોપીને ડિસ્ચાર્જ કરશે અને તેના સબંધમાં કલમ-૩૬૯ હેઠળ ઠરાવેલ પધ્ધતિ પ્રમાણેની કાયૅવાહી કરશે. પરંતુ એવી જોગવાઇ કરવામાં આવી છે કે જો મેજિસ્ટ્રેટને એવું જણાય કે જેના સબંધમાં મગજની અસ્થિરતા અંગેનું તારણ આવેલુ છે તે આરોપી વિરૂધ્ધ પ્રથમદર્શનીય રીતે કેસ બને છે ત્યારે તે આરોપીની સારવાર માટે મનોચિકિત્સક અથવા કિલનિકલ મનોવૈજ્ઞાનિકના અભિપ્રાય મુજબના જરૂરી સમયગાળાની મુદત સુધી કાયૅવાહી મુલતવી રાખશે અને આરોપી બાબતે કલમ-૩૬૯ હેઠળ ઠરાવેલ પધ્ધતિ પ્રમાણેની કાયૅવાહી કરવાનો હુકમ કરશે.

(૫) જો એવા મેજિસ્ટ્રેટને માહિતી આપવામાં આવે કે પેટા કલમ (૨) માં ઉલ્લેખ કરેલ વ્યકિત બૌધ્ધિક અસક્ષમ છે તો મેજિસ્ટ્રેટ આગળ નકકી કરશે કે બૌધ્ધિક અસક્ષમતાના કારણે આરોપી પોતાનો બચાવ કરવા અસમથૅ છે કે કેમ અને જો આરોપી અસમથૅ જણાય તો મેજિસ્ટ્રેટ તપાસ બંધ કરવાનો હુકમ કરશે અને આરોપીબ બાબતે કલમ-૩૬૯ હેઠળ ઠરાવેલ પધ્ધતિ પ્રમાણેની કાયૅવાહી કરશે.