તપાસ અથવા ઇન્સાફી કાયૅવાહી બાકી હોય તે દરમ્યાન અસ્થિર મગજની વ્યકિતને છોડી મૂકવા બાબત - કલમ : 369

તપાસ અથવા ઇન્સાફી કાયૅવાહી બાકી હોય તે દરમ્યાન અસ્થિર મગજની વ્યકિતને છોડી મૂકવા બાબત

(૧) જયારે પણ જો કોઇ વ્યકિત કલમ-૩૬૭ હેઠળ મગજની અસ્થિરતા કે બૌધ્ધિક અસક્ષમતાના કારણે પોતાનો બચાવ કરવા અસમથૅ જણાય ત્યારે મેજિસ્ટ્રેટ કે ન્યાયાલય યથાપ્રસંગ જે હોય તે આવો કેસ જામીનલાયક હોય કે ન હોય તો પણ આવી વ્યકિતને જામીન ઉપર મુકત કરવાનો હુકમ કરશે.

પરંતુ મગજની અસ્થિરતા અથવા બૌધ્ધિક અસક્ષમતાથી પીડાતા આરોપી કે જેને ભરતી થઇને સારવાર કરવાની જરૂર ન હોય અને તેના કોઇ મિત્ર કે સગાએ નજીકની તબીબી સુવિધામાંથી બાહ્ય દદી તરીકે નિયમિત મનોચિકિત્સકીય સારવાર કરાવવાની અને તે વ્યકિતને પોતાને કે અન્ય કોઇ વ્યકિતને ઇજા કરતા અટકાવવાની બાંહેધરી આપવી જોઇએ.

(૨) જો એવો કેસ હોય કે જેમા યથાપ્રસંગ મેજિસ્ટ્રેટ અથવા ન્યાયાલયના અભિપ્રાય મુજબ જામીન મંજૂર કરી શકાય તેમ ન હોય અથવા યોગ્ય બાંહેધરી આપવામાં આવેલ ન હોય ત્યારે મેજિસ્ટ્રેટ કે ન્યાયાલય આરોપીને એવી જગ્યાએ રાખવાનો હુકમ કરશે કે જયાં તેને નિયમિત મનોચિકિત્સકીય સારવાર આપવામાં આવતી હોય અને આવા પગલાં લીધેલ હોય તે અંગે રાજય સરકારને જાણ કરશે. પરંતુ રાજય સરકાર દ્રારા માનસિક આરોગ્ય અધિનિયમ ૨૦૧૭ (૨૦૧૭ના ૧૦માં) હેઠળ કરવામાં આવેલ હોય તેવા નિયમોના અનુસંધાનમાં હોય તે સિવાય જાહેર માનસિક આરોગ્ય સંસ્થામાં કોઇ આરોપીની અટકાયત માટેનો હુકમ કરી શકાશે નહી.

(૩) જયારે કોઇ વ્યકિત મગજની અસ્થિરતા કે બૌધ્ધિક અસક્ષમતાના કારણે કલમ-૩૬૯ કે કલમ-૩૬૮ હેઠળ પોતાનો બચાવ કરવા અસમથૅ જણાય ત્યારે યથાપ્રસંગ મેજિસ્ટ્રેટ કે ન્યાયાલય કરવામાં આવેલ કૃત્યનો પ્રકાર અને મગજની અસ્થિરતા કે બૌધ્ધિક અસક્ષમતાના પ્રમાણને ધ્યાનમાં રાખીને આરોપીને છોડી મૂકવાનો હુકમ કરવો જોઇએ કે કેમ તે નકકી કરશે. પરંતુ એવી જોગવાઇ કરવામાં આવી છે કે

(એ) જો તબીબી અભિપ્રાય કે નિષ્ણાતના અભિપ્રાયના આધારે યથાપ્રસંગ મેજિસ્ટ્રેટ કે ન્યાયાલય કલમ-૩૬૯ કે કલમ-૩૬૮ માં જણાવ્યા પ્રમાણે આરોપીને છોડી મૂકવાના (ડિસ્ચાજૅ કરવાના) હુકમ કરવાનો નિણૅય કરે ત્યારે જો યોગ્ય જામીનગીરી આપવામાં આવેલ હોય કે આરોપીને પોતાની જાતને કે અન્ય કોઇ વ્યકિતને ઇજા કરતા અટકાવવામાં આવશે તો આવી મુકિતનો હુકમ કરી શકાશે.

(બી) યથાપ્રસંગ મેજિસ્ટ્રેટ કે ન્યાયાલયનો જો એવો અભિપ્રાય હોય કે આરોપીને છોડી મૂકવાનો હુકમ કરી શકાય તેમ નથી ત્યારે મગજની અસ્થિર કે બૌધ્ધિક અસક્ષમતાની વ્યકિત માટે રહેણાંક સુવિધાવાળી જગ્યાએ આરોપીની તબદિલીનો હુકમ કરશે કે જયાં આરોપીની દેખરેખ લેવાતી હોય અને યોગ્ય ભણતર તથા તાલીમ આપવામાં આવતી હોય.