
અસ્થિર મગજની વ્યકિતને તેના સગા કે મિત્રને સંભાળ માટે સોંપવા બાબત
(૧) કલમ-૩૬૯ કે કલમ-૩૭૪ ની જોગવાઇઓ હેઠળ અટકમાં રખાયેલ કોઇ વ્યકિતને પોતાની સંભાળ નીચે અને કસ્ટડીમાં રાખવા સોંપી દેવામાં આવે તેમ તેનો કોઇ સગો કે મિત્ર ઇચ્છતો હોય ત્યારે તે સગા કે મિત્રની અરજી ઉપરથી અને રાજય સરકારને ખાતરી થાય એવી રીતે સોંપાનાર વ્યકિત અંગે નીચે પ્રમાણે કરવાની તે જામીનગીરી આપે તો તે વ્યકિતને તે સગા કે મિત્રને સોંપવા માટેનો રાજય સરકાર હુકમ કરી શકશે.
(એ) તેની બરાબર સંભાળ રાખવામાં આવશે અને પોતાની જાતને કે અન્ય કોઇ વ્યકિતને ઇજા ન કરી બેસે તેની તકેદારી રાખવામાં આવશે.
(બી) રાજય સરકાર ફરમાવે તે અધિકારીની તપાસણી માટે અને તે સમયે તથા સ્થળે તેને રજૂ કરવામાં આવશે.
(સી) કલમ-૩૬૯ની પેટા કલમ (૨) હેઠળ અટકમાં રખાયેલ વ્યકિતની બાબતમાં ફરમાવવામાં આવે ત્યારે તે મેજિસ્ટ્રેટ કે ન્યાયાલય સમક્ષ તેને રજૂ કરવામાં આવશે.
(૨) એ રીતે સોંપાયેલી વ્યકિત જે ગુનાની કાયૅવાહી તેનું મગજ અસ્થિર હોવાને અને તે પોતાનો બચાવ કરી શકે તેમ ન હોવાને કારણે મુલતવી રાખવામાં આવી હોય તે ગુનાનો આરોપી હોય તો અને પેટા કલમ (ના ખંડ (ખ) માં ઉલ્લેખાયેલ તપાસણી અધિકારી કોઇપણ સમયે મેજિસ્ટ્રેટને કે ન્યાયાલયને એવું પ્રમાણિત કરે કે તે વ્યકિત પોતાનો બચાવ કરી શકે તેમ છે તો તે મેજિસ્ટ્રેટ કે ન્યાયાલયે જેને તે આરોપી સોંપવામાં આવ્યો હોય તે સગા કે મિત્રને તેને પોતાની સમક્ષ રજૂ કરવા ફરમાવવું જોઇશે અને તેને રજૂ કરવામાં આવ્યે મેજિસ્ટ્રેટે કે ન્યાયાલયે કલમ-૩૭૧ ની જોગવાઇઓ અનુસાર કાયૅવાહી કરવી જોઇશે અને તપાસણી અધિકારીનું પ્રમાણપક્ષ પુરાવામાં લઇ શકાશે.
Copyright©2023 - HelpLaw