તિરસ્કાર અંગેના કેટલાક કેસોમાં કાયૅરીતિ - કલમ : 384

તિરસ્કાર અંગેના કેટલાક કેસોમાં કાયૅરીતિ

(૧) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૧૦, કલમ-૨૧૩, કલમ-૨૧૪, કલમ-૨૧૫ અથવા કલમ-૨૬૭ માં વણૅવેલા કોઇ ગુના કોઇ દીવાની ફોજદારી કે મહેસૂલી ન્યાયાલયના દેખતાં કે તેની હાજરીમાં કરવામાં આવે તો તે ન્યાયાલય ગુનેગારને કસ્ટડીમાં રખાવી શકશે અને તે જ દિવસે તે ન્યાયાલય ઉઠતાં પહેલા કોઇપણ વખતે તે ગુના અંગે ઇન્સાફી કાયૅવાહી શરૂ કરી શકશે અને આ કલમ હેઠળ તેને શા માટે શિક્ષા ન કરવી જોઇએ તેનું કારણ દર્શાવવા માટે ગુનેગારને વાજબી તક આપ્યા પછી ગુનેગારને એક હજાર રૂપિયા સુધીના દંડની અને દંડ ન ભરે તો એક મહિના સુધીની સાદી કેદની સજા કરી શકશે સિવાય કે દંડ તે પહેલા ભરી દેવામાં આવે.

(૨) એવા દરેક કેસમા; જેનાથી ગુનો બનતો હોય તે હકીકતના તેમજ ગુનેગારે કરેલ હોય તે કથન (જો કોઇ હોય તો) તેમજ નિણૅય અને સજાની ન્યાયાલયે લેખિત નોંધ કરવી જોઇશે.

(૩) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૨૬૭ મુજબનો ગુનો હોય તો જેને દખલ કે જેનું અપમાન થયેલ હોય તે ન્યાયાલય સમક્ષ ચાલતી ન્યાયિક કાયૅવાહીનો પ્રકાર અને તબકકા અને તે દખલ કે અપમાનના પ્રકાર કેસના રેકડૅમાં દર્શાવવા જોઇશે.