કલમ-૩૮૩, ૩૮૪, ૩૮૮ અને ૩૮૯ હેઠળની ગુના સાબિતી ઉપર અપીલ - કલમ : 390

કલમ-૩૮૩, ૩૮૪, ૩૮૮ અને ૩૮૯ હેઠળની ગુના સાબિતી ઉપર અપીલ

(૧) કલમ-૩૮૩, કલમ-૩૮૪, કલમ-૩૮૮ અથવા કલમ-૩૮૯ હેઠળ ઉચ્ચન્યાયાલય સિવાયની કોઇ ન્યાયાલય જેને સજા કરી હોય તે વ્યકિત આ સંહિતામાં ગમે તે મજકૂર હોય તે છતાં તે ન્યાયાલય હુકમનામા કે હુકમો ઉપર સાધારણ રીતે જેને અપીલ થઇ શકતી હોય તે ન્યાયાલયને અપીલ કરી શકશે.

(૨) પ્રકરણ-૩૧ ની જોગવાઇઓ આ કલમ હેઠળ થયેલી અપીલોને લાગુ પડી શકે તેટલે અંશે લાગુ પડશે અને અપીલ ન્યાયાલય નિણૅય ફેરવી શકશે અથવા ઊલટાવી શકશે અથવા જેની સામે અપીલ કરવામાં આવી હોય તે સજા ઓછી કરી શકશે અથવા રદ કરી શકશે.

(૩) લઘુવાદ ન્યાયાલયે કરેલી એવી ગુના સાબિતી સામે જે સેશન્સ વિભાગમાં તે ન્યાયાલય આવેલું હોય તે વિભાગના સેશન્સ ન્યાયાલયને અપીલ થઇ શકશે.

(૪) એવી ગુના સાબિતી સામેની કલમ-૩૮૬ હેઠળ અપાયેલા આદેશની રૂએ દીવાની ન્યાયાલય ગણતા કોઇપણ રજીસ્ટ્રાર કે સબ રજિસ્ટ્રારે કરેલી અપીલ જે સેશન્સ વિભાગમાં એવા રજિસ્ટ્રાર કે સબ રજિસ્ટ્રારની કચેરી આવેલી હોય તે વિભાગના સેશન્સ ન્યાયાલયને થઇ શકશે.