ફેંસલાની ભાષા અને વિગતો - કલમ : 393

ફેંસલાની ભાષા અને વિગતો

(૧) આ સંહિતાથી સ્પષ્ટપણે બીજી રીતે ઠરાવ્યું હોય તે સિવાય કલમ-૩૯૨ માં ઉલ્લેખાયેલો દરેક ફેંસલો

(એ) ન્યાયાલયની ભાષામાં લખવો જોઇશે.

(બી) તેમા નિણૅય માટેનો મુદ્દો કે મુદ્દા તે ઉપરનો નિણૅય અને નિણૅયના કારણો હોવા જોઇશે.

(સી) આરોપીને કોઇ ગુના માટે દોષિત ઠરાવવામાં આવ્યો હોય તો તે ગુનો અને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કે બીજા કાયદાની જે કલમ હેઠળ તેને દોષિત ઠરાવવામાં આવ્યો હોય તે કલમ અને તેને કરવામાં આવી હોય તે સજા ફેંસલામાં દશૅ વાવવા જોઇશે.

(ડી) નિર્દોષ ઠરાવીને છોડી મૂકવાનો ફેંસલો હોય તો આરોપીને જે ગુના માટે નિદર્દોષ ઠરાવ્યો હોય તે ગુનો તેમાં જણાવવો જોઇશે અને તેમાં આરોપીને છોડી મૂકવાનો આદેશ આપવો જોઇશે.

(૨) ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ હેઠળ કોઇને દોષિત ઠરાવવામાં આવે અને તે સંહિતાની બે કલમોમાંથી કોઇ કલમ હેઠળ અથવા તેની એક જ કલમના બે ભાગમાંથી કયાં ભાગ હેઠળ ગુનો આવે છે તે વિશે શંકા હોય ત્યારે ન્યાયાલયે તે સ્પષ્ટ રીતે જણાવીને વૈકલ્પિક ફેંસલો આપવો જોઇશે.

(૩) મોતની કે વિકલ્પે આજીવન કેદની અથવા કેટલાંક વષૅની કેદની શિક્ષાને પાત્ર ગુનો સાબિત થાય ત્યારે કરવામાં આવેલ સજાના કારણો ફેંસલામાં જણાવવા જોઇશે અને મોતની સજા કરવામાં આવે ત્યારે એવી સજા માટેના ખાસ કારણો જણાવવા જોઇશે.

(૪) એક વષૅ કે તેથી વધુ મુદત માટેની શિક્ષાને પાત્ર ગુનો સાબિત થાય પરંતુ ન્યાયાલય ત્રણ મહિના કરતા ઓછી મુદતની કેદની સજા કરે ત્યારે તે સજા ન્યાયાલય ઊઠતા સુધીની હોય અથવા કેસની ઇન્સાફી કાયૅવાહી આ સંહિતાની જોગવાઇઓ હેઠળ સંક્ષિપ્ત રીતે કરવામાં આવી હોય તે સિવાય ન્યાયાલયે એવી સજા કરવાના કારણો નોંધવા જોઇશે.

(૫) કોઇ વ્યકિતને મોતની સજા કરવામાં આવે ત્યારે તેને ગળે ફાંસો નાખી તે મૃત્યુ પામે ત્યાં સુધી લટકાવવો એ પ્રમાણે સજાના હુકમમાં આદેશ આપવો જોઇશે.

(૬) કલમ-૧૩૬ અથવા કલમ-૧૫૭ ની પેટા કલમ (૨) હેઠળના દરેક હુકમમાં અને કલમ-૧૪૪, કલમ-૧૬૪ કે કલમ-૧૬૬ હેઠળ કરેલા દરેક આખરી હુકમમાં નિણૅય માટેનો મુદ્દો કે મુદ્દા તેની ઉપરનો નિણૅય અને નિણૅયના કારણો હોવા જોઇશે.