
અગાઉ દોષિત ઠરેલા ગુનેગારના સરનામાની જાણ કરવાનો હુકમ
(૧) ભારતના ન્યાયાલયે ત્રણ વષૅ કે તેથી વધુ મુદત સુધીની કેદની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવેલ વ્યકિતને ત્રણ વષૅ કે તેથી વધુ મુદત સુધીની કેદની શિક્ષાને પાત્ર ગુના માટે બીજા વગૅના મેજિસ્ટ્રેટ સિવાયનું ન્યાયાલય ફરી દોષિત ઠરાવે ત્યારે તે ન્યાયાલય પોતાને યોગ્ય લાગે તો તે વ્યકિતને કેદની સજા ફરમાવતી વખતે એવો પણ હુકમ કરી શકશે કે છુટયા પછીના તેના રહેઠાણની અને તેમાં થતા ફેરફારની કે ત્યાંથી તેની ગેરહાજરીની જાણ સજા પૂરી થયાની તારીખથી વધુમાં વધુ પાંચ વષૅની મુદત સુધી આ સંહિતામાં હવે પછી જણાવ્યા પ્રમાણે કરવી.
(૨) પેટા કલમ (૧)ની જોગવાઇઓ એવા ગુનાઓ કરવાના ગુનાહિત કાવતરાને અને એવા ગુનાઓના દુસ્પ્રેરણને અને તે કરવાની કોશિશોને પણ લાગુ પડે છે.
(૩) અપીલ ઉપરથી કે બીજી રીતે એવી ગુના સાબિતી રદ કરવામાં આવે તો તે હુકમ ફોક થશે.
(૪) આ કલમ હેઠળનો હુકમ અપીલ ન્યાયાલય અથવા પોતાની ફેરતપાસ સતા વાપરતી વખતે ઉચ્ચન્યાયાલય કે સેશન્સ ન્યાયાલય પણ કરી શકશે.
(૫) છુટેલા કેદીઓના રહેઠાણ કે તેમાં થતા ફેરફાર કે ત્યાંથી તેમની ગેરહાજરી સબંધી આ કલમની જોગવાઇઓનો અમલ કરવા માટે રાજય સરકાર જાહેરનામાંથી નિયમો કરી શકશે.
(૬) આવા નિયમોમાં તેના ભંગ માટેની શિક્ષા માટે જોગવાઇ કરી શકશે અને એવા કોઇ નિયમનો ભંગ કયૅવાનું જેના ઉપર ત્હોમત મૂકવામાં આવ્યું હોય તે વ્યકિત સામે તેણે પોતાના રહેઠાણ તરીકે છેલ્લે જણાવેલ સ્થળ જે જિલ્લામાં આવેલું હોય તે જિલ્લામાં કાયદેસર હકૂમત ધરાવતા મેજિસ્ટ્રેટ ઇન્સાફી કાયૅવાહી કરી શકશે.
Copyright©2023 - HelpLaw