ભોગ બનનારને વળતર યોજના - કલમ : 396

ભોગ બનનારને વળતર યોજના

(૧) દરેક રાજય સરકાર કેન્દ્ર સરકારના સહયોગથી ભોગ બનનાર કે તેના આશ્રિતો કે જેમને ગુનાના પરિણામે નુકશાન કે ઇજા થયેલ છે અને જેમને પુનઃવસનની જરૂરિયાત છે તેમને વળતર આપવાના હેતુ માટે ભંડોળ પૂરૂ પાડવાની યોજના તૈયાર કરશે.

(૨) જયારે પણ ન્યાયાલય દ્રારા વળતર માટેની ભલામણ કરવામાં આવેલ હોય ત્યારે યથાપ્રસંગ જિલ્લા કાનૂની સેવા સતામંડળ અથવા રાજય કાનૂની સેવા સતામંડળ પેટા કલમ (૧) માં ઉલ્લેખાયેલ યોજના હેઠળ આપવાના વળતરનું પ્રમાણ નકકી કરશે.

(૩) જો ઇન્સાફી કાયૅવાહી ચલાવનાર ન્યાયાલય ઇન્સાફી કાયૅવાહીની સમાપ્તિ વખતે સંતુષ્ટ થાય કે કલમ-૩૯૫ હેઠળ આપવામાં આવેલ વળતર આવા પુનઃવસન માટે પૂરતુ નથી અથવા જયારે નિર્દોષ છૂટકારાથી કે ડિસ્ચાજૅ સ્વરૂપે કેસોની સમાપ્તિ થાય અને ભોગ બનનારનું પુનઃવસન કરવાનું હોય ત્યારે ન્યાયાલય વળતર માટેની ભલામણ કરી શકશે.

(૪) જયારે આરોપીને શોધી શકાયો કે ઓળખી શકાયો ન હોય પરંતુ ભોગ બનનારની ઓળખ થયેલ હોય અને જયારે ઇન્સાફી કાયૅવાહી થયેલ ન હોય ત્યારે ભોગ બનનાર કે તેના આશ્રિતો રાજય કે જિલ્લા કાનૂની સેવા સતામંડળને વળતર આપવા માટેની અરજી કરી શકશે.

(૫) આવી ભલામણો મળ્યેથી અથવા પેટા કલમ (૪) હેઠળની અરજી ઉપરથી રાજય કે જિલ્લા કાનૂની સેવા સતામંડળે યોગ્ય તપાસ કયૅા પછી બે મહિનાની અંદર તપાસ પૂણૅ કરીને પૂરતું વળતર આપવું જોઇશે.

(૬) યથાપ્રસંગ રાજય કે જિલ્લા કાનૂની સેવા સતામંડળ ભોગ બનનારની પીડા હળવી કરવા માટે પોલીસ સ્ટેશનના ઇન્ચાજૅ અધિકારીથી નીચેના દરજજાના ન હોય તેવા કોઇ પોલીસ અધિકારી અથવા સબંધિત વિસ્તારના કોઇ મેજિસ્ટ્રેટના પ્રમાણપત્ર ઉપર ભોગ બનનારને તાત્કાલિક પ્રાથમિક સારવાર સુવિધા અથવા તબીબી સુવિધાઓ પૂરી પાડવા અથવા યોગ્ય સતાધિકારી યોગ્ય ગણે તેવી અન્ય કોઇ વચગાળાની રાહત વીનામૂલ્યે પુરી પાડવાનો હુકમ કરી શકશે.

(૭) આ કલમ હેઠળ રાજય સરકાર દ્રારા ચૂકવવા પાત્ર વળતર ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ ની કલમ-૬૫, કલમ-૭૦ અને કલમ-૧૨૪ ની પેટા કલમ (૧) હેઠળ ભોગ બનનારને ચૂકવવામાં આવતી દંડની રકમથી અતિરિકતનું રહેશે.