સારી વતૅણુંકની અજમાયશ ઉપર અથવા તાકીદ આપીને છોડી મૂકવાનો હુકમ કરવા બાબત
(૧) એકવીસ વષૅથી ઓછી વયના ન હોય એવા કોઇ આરોપીને માત્ર દંડની અથવા સતા વષૅની અથવા તેથી ઓછી મુદતની કેદની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવામાં આવે અથવા એકવીસ વષૅથી ઓછી વયના કોઇ આરોપીને કે કોઇ સ્ત્રીને મોત કે આજીવન કેદની શિક્ષાને પાત્ર ન હોય એવા કોઇ ગુના માટે દોષિત ઠરાવવામાં આવે અને તે ગુનેગાર અગાઉ કોઈ ગુના માટે દોષિત ઠરેલ હોવાનું સાબિત થતું ન હોય ત્યારે તેને દોષિત ઠરાવનાર ન્યાયાલયને ગુનેગારની વય ચાલચલગત કે પૂવૅ હકીકત અને ગુનો થતી વખતના સંજોગો લક્ષમાં લેતા એમ જણાય કે સારી વર્તણુંકની અજમાયશ ઉપર તેને છોડવાનું ઇષ્ટ છે તો તે ન્યાયાલય તેને તરત કોઇ સજા કરવાને બદલે પોતે આદેશ આપે તેટલી (ત્રણ વષૅથી વધુ નહી એવી) મુદત દરમ્યાન તેને બોલાવવામાં આવે ત્યારે હાજર થઇને સજા ભોગવી લેવા માટેનો અને તે સમય દરમ્યાન સુલેહ જાળવવા અને સારૂ વતૅન રાખવા માટેનો મુચરકો કે જામીનખત તે આપે તો તેને છોડી મૂકવાનો આદેશ આપી શકશે.
પરંતુ આ માટે ઉચ્ચ ન્યાયાલયે ખાસ સતા આપી ન હોય એવા બીજા વગૅના મેજિસ્ટ્રેટ પહેલી વાર ગુનો કરનારને દોષિત ઠરાવે અને તેનો અભિપ્રાય એવો થાય કે આ કલમથી અપાયેલી સતા વાપરવી જોઇએ ત્યારે તેણે એ મતલબના પોતાના અભિપ્રાયની લેખીત નોંધ કરીને સદરહુ કાયૅવાહી પહેલા વગૅના મેજિસ્ટ્રેટને સાદર કરવી જોઇશે તેમજ આરોપીને તે મેજિસ્ટ્રેટ તરફ મોકલી આપવો જોઇશે અથવા તે મેજિસ્ટ્રેટ સમક્ષ હાજર થવા માટે તેના જામીન લેવા જોઇશે અને તેવા મેજિસ્ટ્રેટે પેટા કલમ (૨) માં ઠરાવેલી રીતે તે કેસનો નિકાલ કરવો જોઇશે.
(૨) પેટા કલમ (૧) થી ઠરાવ્યા પ્રમાણે પહેલા વર્ગના મેજિસ્ટ્રેટને કાયૅવાહી સાદર કરવામાં આવે ત્યારે તેઓ તે ઉપરથી તે કેસ પ્રથમથી જ પોતે સાંભળ્યો હોત તો પોતે સજા ફરમાવી શકત તેવી સજા ફરમાવી શકશે અથવા પોતે કરી શકત તેવો હુકમ કરી શકશે અને કોઇ મુદ્દા ઉપર વધુ તપાસ કે વધારાનો પુરાવો જરૂરી છે એમ પોતાને લાગે તો પોતે એવી તપાસ કરી શકશે કે એવો પુરાવો લઇ શકશે અથવા એવી તપાસ કરવાનો કે પુરાવો લેવાનો આદેશ આપી શકશે.
(૩) કોઇ વ્યકિતને ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ હેઠળ ચોરી માટે કોઇ મકાનમાં ચોરી કરવા માટે બદદાનતથી કરેલ દુવિનીયોગ માટે ઠગાઇ માટે અથવા બે વષૅથી વધુ નહીં તેવી શિક્ષાને પાત્ર ગુના માટે અથવા માત્ર દંડની શિક્ષાને પાત્ર ગુના માટે દોષિત ઠરાવવામાં આવે અને તે અગાઉ કોઇ ગુના માટે દોષિત ઠરેલ હોવાનુ; સાબિત થયેલ ન હોય ત્યારે જે ન્યાયાલયે તેને દોષિત ઠરાવેલ હોય તે ન્યાયાલય ગુનેગારની વય ચાલચલગત પૂવૅ હકીકત અથવા તેની શારીરિક કે માનસિક સ્થિતિ અને ગુનાનું નજીવું સ્વરૂપ અથવા ગુનાને હળવો બનાવતા કોઇ સંજોગોમાં ગુનો થયો હોય તો તે સંજોગો લક્ષમાં લઇને પોતાને યોગ્ય લાગે તો તેને સજા કરવાને બદલે યોગ્ય તાકીદ આપીને છોડી મૂકી શકશે
(૪) આ કલમ હેઠળનો હુકમ અપીલ ન્યાયાલય અથવા પોતાની ફેરતપાસની સતા વાપરતી વખતે ઉચ્ચન્યાયાલય પણ કરી શકશે.
(૫) કોઇ ગુનેગાર અંગે આ કલમ હેઠળ હુકમ કરવામાં આવ્યો હોય ત્યારે ઉચ્ચન્યાયાલય કે સેશન્સ ન્યાયાલને અપીલ કરવાનો હક હોય તો અપીલમાં અથવા પોતાની ફેરતપાસની સતા વાપરીને તે ન્યાયાલય એવો હુકમ રદ કરી શકશે અને તે બદલે ગુનેગારને કાયદા અનુસાર સજા ફરમાવી શકશે. પરંતુ જેણે તે ગુનેગારને દોષિત ઠરાવેલ હોય તે ન્યાયાલય કરી શકત તેના કરતા વધુ શિક્ષા આ પેટા કલમ હેઠળ ઉચ્ચન્યાયાલય અથવા સેશન્સ ન્યાયાલય કરી શકશે નહી.
(૬) કલમો-૧૪૦, ૧૪૩ અને ૪૧૪ ની જોગવાઇઓ શકય હોય ત્યાં સુધી આ કલમની જોગવાઇઓ અનુસાર આપેલા જામીનોની બાબતમાં લાગુ પડશે.
(૭) પેટા કલમ (૧) હેઠળ ગુનેગારને છોડી મૂકવાનો આદેશ આપતા પહેલા ગુનેગારને અથવા તેના જામીન હોય તો તેને જે વિસ્તાર માટે ન્યાયાલય કામ કરતું હોય ત્યાં અથવા શરતોનું પાલન કરવા માટે ઠરાવેલી મુદત દરમ્યાન ગુનેગાર જે સ્થળે રહેવાનો સંભવ હોય ત્યાં કાયમી રહેઠાણ કે સ્થાયી વ્યવસાય છે એ બાબતની ન્યાયાલયે ખાતરી કરવી જોઇશે.
(૮) જે ન્યાયાલયે ગુનેગારને દોષિત ઠરાવ્યો હોય તેને અથવા ગુનેગારના મૂળ ગુના અંગે તેની સામે કાયૅવાહી કરી શકયું હોત તે ન્યાયાલયને ખાતરી થાય કે ગુનેગારે તેના મુચરકાની કોઇ શરત પાળી નથી તો તે ન્યાયાલય તેને પકડવા માટે વોરંટ કાઢી શકશે.
(૯) એવા કોઇ વોરંટ ઉપરથી ગુનેગારને પકડવામાં આવે ત્યારે તેને વોરંટ કાઢનાર ન્યાયાલય સમક્ષ રજૂ કરવો જોઇશે અને તે ન્યાયાલય કેસની સુનાવણી ન થાય ત્યાં સુધી તેને કસ્ટડીમાં રાખવા મોકલી શકશે અથવા સજા સાંભળવા માટે હાજર રહેવાની શરતે પૂરતા જામીન ઉપર તેને છોડી શકશે અને કેસની સુનાવણી કર્યા પછી તે ન્યાયાલય સજા ફરમાવી શકશે.
(૧૦) ગુનેગાર પ્રોબેશન અધિનિયમ ૧૯૫૮ (૧૯૫૮નો ૨૦મો) ની અથવા બાળ ન્યાય (બાળકોની કાળજી અને રક્ષણ બાબત) અધિનિયમ ૨૦૧૫ (૨૦૧૬નો રજો) ની કે બાળ ગુનેગારો પ્રત્યે વ્યવહાર તેમની તાલીમ અથવા પુનઃસ્થાપના માટે તે સમયે અમલમાં હોય તેવા બીજા કોઇપણ કાયદાની જોગવાઇઓને આ કલમના કોઇપણ મજકૂરથી બાધ આવશે નહી.
Copyright©2023 - HelpLaw