
ઉચ્ચતમ ન્યાયાલયને અપીલ થયેલ હોય તે કેસમાં મોતની સજાના હુકમનો અમલ મોકૂફ રાખવા બાબત
(૧) ઉચ્ચન્યાયાલય કોઇ વ્યકિતને મોતની સજા કરે અને તેના ફેંસલા ઉપર સંવિધાનના અનુચ્છેદ ૧૩૪ના ખંડ (૧) ના પેટા ખંડ (એ) કે પેટા ખંડ (બી) હેઠળ ઉચ્ચતમ ન્યાયાલયને અપીલ થઇ શકતી હોય ત્યારે ઉચ્ચ ન્યાયાલયે એવી અપીલ કરવા માટેની નિયત મુદત પૂરી ન થાય ત્યાં સુધી અથવા જો તે મુદતની અંદર અપીલ કરવામાં આવેલ હોય તો તે અપીલનો નિકાલ ન થાય ત્યાં સુધી સજાનો અમલ મુલતવી રાખવાનો હુકમ કરવો જોઇશે.
(૨) ઉચ્ચન્યાયાલય મોતની સજા કરે અથવા તેને બહાલી આપે અને સંવિધાનના અનુચ્છેદ-૧૩૨ અથવા અનુચ્છેદ-૧૩૪ ના ખંડ (૧) ના પેટા ખંડ (સી) હેઠળ પ્રમાણપત્ર આપવા માટે સજા પામેલ વ્યકિત ઉચ્ચન્યાયાલયને અરજી કરે ત્યારે ઉચ્ચન્યાયાલય એવી અરજીનો નિકાલ ન કરે ત્યાં સુધી અથવા એવી અરજી ઉપરથી પ્રમાણપત્ર આપવામાં આવ્યું હોય તો એવા પ્રમાણપત્ર ઉપરથી ઉચ્ચતમ ન્યાયાલયને અપીલ કરવા માટેની નિયત મુદત પૂરી ન થાય ત્યાં સુધી ઉચ્ચન્યાયાલયે સજાનો અમલ મુલતવી રાખવાનો હુકમ કરવો જોઇશે.
(૩) ઉચ્ચન્યાયાલય મોતની સજા કરે કે તેને બહાલી આપે અને ઉચ્ચન્યાયાલયને એવી ખાતરી થાય કે સજા પામેલ વ્યકિત સંવિધાનના અનુચ્છેદ-૧૩૬ હેઠળ અપીલ કરવા માટે ખાસ પરવાનગી આપવા માટે ઉચ્ચતમ ન્યાયાલયને અરજ કરવા ધારે છે તો તે એવી અરજ કરી શકે તે માટે ઉચ્ચન્યાયાલયને પૂરતી લાગે તેટલી મુદત સુધી સજાનો અમલ મુલતવી રાખવાનો હુકમ ઉચ્ચન્યાયાલયે કરવો જોઇશે.
Copyright©2023 - HelpLaw