કેદની સજાનો અમલ મોકૂફ રાખવા બાબત
(૧) ગુનેગારને માત્ર દંડની અને દંડ ન ભરે તો કેદની સજા કરવામાં આવેલ હોય અને દંડ તરત ભરી દેવામાં ન આવે તો ન્યાયાલય નીચે પ્રમાણે કરી શકશે.
(એ) એવો હુકમ કરી શકશે કે દંડ હુકમની તારીખથી ત્રીસમે દિવસે કે તે પહેલાં પૂરેપૂરો ભરી દેવો જોઇશે અથવા બે કે ત્રણ હપ્તે ભરી દેવો જોઇશે જેમાંનો પહેલો હપ્તો હુકમની તારીખથી ત્રીસમે દિવસે કે તે પહેલાં અને બીજો કે બીજા હપ્તા યથાપ્રસંગ ત્રીસ દિવસથી વધુ નહી એવા ગાળા કે ગાળાઓએ ભરી દેવા જોઇશે.
(બી) યથાપ્રસંગ દંડ કે તેના હપ્તા જે તારીખે કે તારીખોએ કે તે પહેલા ભરવાના હોય તે તારીખ કે તારીખોએ ન્યાયાલય સમક્ષ તે પોતે હાજર થવાની શરતવાળો ન્યાયાલયને યોગ્ય લાગે તે પ્રમાણેનો મુચરકો અથવા જામીનખત ગુનેગાર કરી આપે તો કેદની સજાનો અમલ મોકૂફ રાખી ન્યાયાલય તેને છોડી શકશે અને યથાપ્રસંગ દંડની કે તેના કોઇ હપ્તાની રકમ હુકમ મુજબ તે ભરવાની છેલ્લી તારીખે કે તે પહેલા વસૂલ ન થાય તો ન્યાયાલય કેદની સજાનો તરત અમલ કરવાનો આદેશ આપી શકશે.
(૨) જે કેસમાં નાણા ચૂકવી દેવાનો હુકમ કરવામાં આવ્યો હોય અને તે વસૂલ ન થાય તો કેદની શિક્ષા થઇ શકતી હોય અને નાણાં તરત ચૂકવી દેવામાં ન આવ્યા હોય તે કેસમાં પણ પેટા કલમ (૧) ની જોગવાઇઓ લાગુ પડશે અને જેની વિરૂધ્ધ હુકમ કરવામાં આવ્યો હોય તે વ્યકિતને સદરહુ પેટા કલમમાં ઉલ્લેખ્યા પ્રમાણેનો મુચરકો આપવા ફરમાવવામાં આવે અને તે ન આપે તો ન્યાયાલય તરત કેદની સજા ફરમાવી શકશે.
Copyright©2023 - HelpLaw