સજા મોકૂફ રાખવાની કે માફ કરવાની સતા - કલમ : 473

સજા મોકૂફ રાખવાની કે માફ કરવાની સતા

(૧) કોઇ વ્યકિતને કોઇ ગુના માટે સજા કરવામાં આવેલ હોય ત્યારે સમુચિત સરકાર કોઇ શરતો વિના અથવા સજા પામેલ વ્યકીત સ્વીકારે તેવી કોઇ શરતે કોઇપણ વખતે તેની સજાનો અમલ મોકૂફ રાખી શકશે અથવા તેને થયેલી પૂરી સજા કે તેનો કોઇ ભાગ માફ કરી શકશે

(૨) સજા મોકૂફ રાખવા કે માફ કરવા સમુચિત સરકારને અરજી કરવામાં આવે ત્યારે જે ન્યાયાલય સમક્ષ ગુનો સાબિત થયો હોય અથવા જે ન્યાયાલયે ગુના સાબિતીનો હુકમ બહાલ રાખ્યો હોય તેના પ્રમુખ જજને તે અરજી મંજૂર કરવી જોઇએ કે નામંજૂર કરવી જોઇએ તે વિષે તેનો અભિપ્રાય તેના કારણો સાથે જણાવવા અને તે અભિપ્રાય સાથે ઇન્સાફી કાયૅવાહીના રેકડૅની અથવા તેનું જે કંઇ રેકડૅ વિધમાન હોય તેની પ્રમાણિત નકલ પણ મોકલવા સમુચિત સરકાર ફરમાવી શકશે. (૩) જે શરતે સજા મોકૂફ રખાયેલ હોય અથવા માફ થયેલ હોય તે શરત સમુચિત સરકારના અભિપ્રાય પ્રમાણે પાળવામાં આવેલ ન હોય તો તે સરકાર સજાની મોકૂફી કે માફી રદ કરી શકશે અને તેમ થતા જેની સજા મોકૂફ રખાયેલ કે માફ થયેલ હોય તે વ્યકિત જો મુકત હોય તો તેને કોઇપણ પોલીસ અધિકારી વિના વોરંટ પકડી શકશે અને બાકી રહેલા ભોગની સજા ભોગવવા તેને ફરીથી અટકાયતમાં મોકલી શકશે.

(૪) જે શરતે આ કલમ હેઠળ કોઇ સજા માફ કરવામાં આવે અથવા મોકૂફ રાખવામાં આવે તે શરત જેની સજા મોકૂફ રાખવામાં આવે અથવા માફ કરવામાં આવે તે વ્યકિતએ પૂરી કરવાની હોઇ શકે અથવા તેની ઇચ્છાને અધીન ન હોય એવી હોઇ શકે

(૫) સજાઓ મોકૂફ રાખવા વિશેષ અને જે શરતોએ અરજીઓ રજૂ કરવી જોઇએ અને તેના વિશે કાયૅવાહી કરવી જોઇએ તે શરતો વિશે સમુચિત સરકાર સામાન્ય નિયમોથી કે ખાસ હુકમોથી આદેશો આપી શકશે. પરંતુ અઢાર વષૅથી વધુ વયના પુરૂષને (દંડની સજા સિવાયની) ફરમાવાયેલી સજાની બાબતમાં સજા પામેલ વ્યકિતએ કે તેના વતી અન્ય કોઇ વ્યકિતએ કરેલી અરજી સજા પામેલ વ્યકિત જેલમાં હોય તેમજ નીચે પ્રમાણે સંજોગો હોય તે સિવાય સ્વીકારવામાં આવશે નહી.

(એ) એવી અરજી સજા પામેલ વ્યકિત કરે ત્યારે તે જેલના ઇન્ચાજૅ અધિકારી મારફત રજૂ કરવામાં આવે અથવા

(બી) એવી અરજી અન્ય કોઇ વ્યકિત કરે ત્યારે સજા પામેલ વ્યકિત જેલમાં છે એવો તેમાં એકરાર કરેલો હોય.

(૬) આ સંહિતાની કે બીજા કોઇ કાયદાની કોઇ કલમ હેઠળ કોઇ ફોજદારી ન્યાયાલયે ફરમાવેલા અને કોઇ વ્યકિતની સ્વતંત્રતા ઉપર અંકુશ મૂકતા અથવા તેના ઉપર કે તેની મિલકત ઉપર કોઇ જવાબદારી નાખતા હુકમને પણ ઉપરની પેટા કલમોની જોગવાઇઓ લાગુ પડશે.

(૭) આ કલમમાં અને કલમ-૪૭૪ સમુચિત સરકાર એટલે 

(એ) સંઘની કારોબારી સતા હેઠળની બાબતને લગતા કોઇ કાયદા વિરૂધ્ધના ગુના માટેની સજા હોય

અથવા પેટા કલમ (૬)માં ઉલ્લેખાયેલો હુકમ સદરહુ કાયદા હેઠળ કરવામાં આવ્યો હોય તે પ્રસંગે કેન્દ્ર સરકાર (બી) બીજા પ્રસંગે જે રાજયમાં ગુનેગારને સજા કરવામાં આવેલ હોય અથવા સદરહુ હુકમ કરવામાં આવ્યો હોય તે રાજયની સરકાર