કાચા કામના કેદીને અટકાયતમાં રાખી શકવાની વધુમાં વધુ મુદત - કલમ : 479

કાચા કામના કેદીને અટકાયતમાં રાખી શકવાની વધુમાં વધુ મુદત

જયારે કોઇ વ્યકિત કોઇપણ કાયદા હેઠળ (તે કાયદા હેઠળ નિદિષ્ટ સજાઓ પૈકી કોઇ એક માટે મોત કે આજીવન કેદની સજા નિદિષ્ટ કરેલ હોય તેવા ગુના સિવાય) ના કોઇ ગુના માટે આ સંહિતા હેઠળની તપાસ પોલીસ તપાસ અથવા ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન તે કાયદા હેઠળ તેવા ગુના માટે નિદિષ્ટ વધુમાં વધુ કેદની સજાની અડધી મુદત સુધી અટકાયતમાં રહેલ હોય તો તેને ન્યાયાલય દ્રારા જામીન ઉપર મુકત કરવો જોઇશે.

પરંતુ જયારે એવી વ્યકિત પ્રથમ વખતનો આરોપી હોય (કે જે અગાઉ કયારેય કોઇપણ ગુનામાં દોષિત ઠરેલ ન હોય) તેને જો તે કાયદા હેઠળ તે ગુના માટે ઠરાવેલ શિક્ષાની વધુમાં વધુ મુદતના ત્રીજા ભાગ સુધી અટકાયતમાં રહેલ હોય તો તેને ન્યાયાલય દ્રારા જામીન ઉપર મુકત કરવામાં આવશે.

વધુમાં ન્યાયાલય પબ્લિક પ્રોસિકયુટરને સાંભળ્યા પછી અને કારણોની લેખિતમાં નોંધ કરીને આવી વ્યકિતની અટકાયત અડધા કરતાં વધુ સમયગાળા માટે ચાલુ રાખવાનો હુકમ કરી શકશે અથવા તેને મુચરકાને બદલે જામીનખત ઉપર મુકત કરી શકશે.

વળી કોઇપણ કેસમાં આવી વ્યકિતને તપાસ પોલીસ તપાસ અથવા ઇન્સાફી કાયૅવાહી દરમ્યાન કાયદા હેઠળ આવા ગુના માટે ઠરાવેલ વધુમાં વધુ કેદની મુદતના સમયગાળા કરતા વધુ સમય માટે અટકાયતમાં રાખી શકાશે નહી.

સ્પષ્ટીકરણઃ- આ કલમ હેઠળ જામીન મંજૂર કરવા માટે અટકાયતના સમયગાળાની ગણતરીમાં આરોપી દ્રારા કાયૅવાહીમાં થયેલ વિલંબને લિધે વીતી ગયેલ અટકાયતની મુદત બાદ કરવામાં આવશે

(૨) પેટા કલમ (૧)માં ગમે તે સમાવિષ્ટ હોય તે છતા જયારે ઇન્કવાયરી અથવા ઇન્સાફી કાયૅવાહી એક કરતાં વધુ ગુનાઓ માટેની હોય અથવા તે વ્યકિતની વિરૂધ્ધ વિભિનન કેસો પેન્ડિંગ હોય ત્યારે તેને ન્યાયાલય દ્રારા જામીન ઉપર મુકત કરવામાં આવશે નહી.

(૩) જયારે આરોપી વ્યકિતને પેટા કલમ (૧)માં જણાવેલ અડધા ભાગ કે ત્રીજા ભાગની મુદત પૂણૅ થયા પછી અટકાયતમાં રાખેલ હોય ત્યારે યથાપ્રસંગ જેલના અધિક્ષક ન્યાયાલયને તરત જ પેટા કલમ (૧) હેઠળ એવી વ્યકિતની જામીન ઉપર મુકિત માટે કાયૅવાહી કરવા લેખિતમાં અરજી કરશે.