હસ્તાક્ષર અને સહી વિશેનો અભિપ્રાય કયારે પ્રસ્તુત ગણાય - કલમ : 41

હસ્તાક્ષર અને સહી વિશેનો અભિપ્રાય કયારે પ્રસ્તુત ગણાય

(૧) કોઇ દસ્તાવેજ કોણે લખ્યો છે અથવા તેના ઉપર કોણે સહી કરી છે તે વીશે ન્યાયાલયને અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે તે દસ્તાવેજ તે વ્યકિતએ લખ્યો છે કે નહિ અથવા તેના ઉપર તેણે સહી કરી છે કે નહિ એવો જેણે તે લખ્યાનું અથવા તેના ઉપર સહી કયૅલાનું ધારવામાં આવતું હોય તેને હસ્તાક્ષર ઓળખતી વ્યકિતનો અભિપ્રાય પ્રસ્તુત હકીકત છે.

સ્પષ્ટીકરણ.- કોઇ વ્યકિતએ કોઇ બીજી વ્યકિતને લખતાં જોઇ હોય ત્યારે અથવા તે બીજી વ્યકિતને ઉદ્દેશીને અથવા તેના અધિકારથી લખાયેલા દસ્તાવેજોના ઉતરમાં તે બીજી વ્યકિતએ લખેલા હોવાનું અભિપ્રેત હોય તેવા દસ્તાવેજો તેને મળ્યા હોય અથવા તે બીજી વ્યકીતએ લખેલા હોવાનું અભિપ્રેત હોય તેવા દસ્તાવેજો સામાન્ય દસ્તુર મુજબ તેની સમક્ષ રજૂ થતાં રહેતા હોય ત્યારે તે બીજી વ્યકિતના હસ્તાક્ષર ઓળખે છે એમ કહેવાય.

(૨) જયારે ન્યાયાલયને કોઇ વ્યકિતની ઇલેકટ્રોનિક સહી વિશે અભિપ્રાય બાંધવાનો હોય ત્યારે પ્રમાણિત કરનાર સતાધિકારી કે જેણે ઇલેકટ્રોનિક સહી પ્રમાણપત્ર આપેલ હોય તેનો અભિપ્રાય પ્રસ્તુત હકીકત છે.