વ્યવસાય અંગે જણાવેલી બાબત - કલમ : 132

વ્યવસાય અંગે જણાવેલી બાબત

(૧) તેના અસીલની સ્પષ્ટ સંમતિ વિના કોઇ વકીલને તેના અસીલે અથવા તેની વતી કોઇએ તેના વકીલ તરીકેની સેવા દરમ્યાન અને તે હેતુ માટે જણાવેલી બાબત પ્રગટ કરવાની અથવા તેની વ્યવસાયી સેવા દરમ્યાન અને તે હેતુ માટે તેની જાણમાં આવેલા કોઇ દસ્તાવેજનો મજકુર કે સ્થિતિ જણાવવાની અથવા એવી સેવા દરમ્યાન અને તે હેતુ માટે તેણે પોતાના અસીલને આપેલી કોઈ સલાહ પ્રગટ કરવાની પરવાનગી કોઈ સમયે આપી શકાશે નહિ. પરંતુ

(એ) કોઇ ગેરકાયદેસર હેતુ બર લાવવા માટે જણાવેલી કોઇ બાબતને

(બી) કોઇ વકીલ તરીકે તેને રોકવામાં આવેલ હોય તે દરમ્યાન તેના લક્ષમાં આવેલી અને તેની સેવાની શરૂઆત પછી કોઇ ગુનો કે કપટ થયું છે એવુ દર્શાવતી હકીકતને પ્રગટ કરવા સામે આ કલમના કોઇ મજકુરથી રક્ષણ મળશે નહિ.

(૨) પેટા કલમ (૧)માં પરંતુકમાં ઉલ્લેખેલ એવા વકીલનું લક્ષ એવી હકીકત ઉપર તેના અસીલ કે તેના વતી કોઇ તરફથી દોરવામાં આવ્યું હતુ કે નહિ એ મહત્વનુ નથી.

સ્પષ્ટીકરણ.- આ કલમમાં જણાવેલી જવાબદારી સેવા પુરી થયા પછી ચાલુ રહે છે.